Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

એક અનોખી લવસ્ટોરી...વિજયગીરી બાવાની ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું પોસ્ટર રિલિઝ

હિરોઇન સ્કૂટર ચલાવી રહી છે અને હીરો ખભે બે ટિફિન સાથે પાછળ બેઠો છે અને ગભરાયેલો દેખાય છેઃ આરોહી પટેલ અને મોૈલિક નાયકની મુખ્ય ભૂમિકાઃ પારિવારિક મનોરંજનથી ભરપુર ફિલ્મ

રાજકોટ તા. ૨૦: ડિરેકટર વિજયગીરી બાવાની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું ઓફિશ્યલ પોસ્ટર રીલીઝ થઈ ચૂકયું છે. ધ મોસ્ટ એવેઈટેડ ગુજરાતી  ફિલ્મ મોન્ટુની બિટ્ટુ શૂટીંગ શરૂ થયું ત્યારથી ચર્ચાનો વિષય હતી. આ ફિલ્મનું પોસ્ટર જોઈને સૌથી પહેલાં ફિલ્મનો હળવાશ ભર્યો મૂડ સમજાય છે. પોસ્ટરમાં બિટ્ટુ એટલે કે આરોહી પટેલ અને મોન્ટુ એટલે કે મૌલિક નાયક ગુલાબી કલરના સ્કૂટરમાં જોવા મળે છે. સૌથી પહેલાં ધ્યાનમાં આવે એવી બાબત એ છે કે અહીં હિરોઈન સ્કૂટર ચલાવી રહી છે અને હીરો સ્કૂટરની પાછળ બેઠો છે.

ગુલાબી કલરનું હેલ્મેટ હીરોના માથા પર છે, ઉપરાંત બંને ખભા પર ટિફિન દેખાય છે.કેસરી ચૂડીદાર અને રેડ કલરના ટ્રેડીશન શીફોન દુપટ્ટો પહેરેલી બિટ્ટુ ગર્લ નેકસ્ટ ડોર લાગી રહી છે જેના ચહેરા પર મસ્તીભર્યો અંદાજ દેખાય છે. લાઈનીંગવાળો મરૂન શર્ટ અને ઓફીસવેરમાં મોન્ટુ સ્કૂટરની સ્પીડથી ગભરાયેલો દેખાય છે.  પોસ્ટરમાં બેકગ્રાઉન્ડમાં અમદાવાદની હેરીટેજ પોળ દેખાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ની વાર્તા અમદાવાદની પોળમાં આકાર લઈ રહી છે. એ કારણે ફિલ્મનું મોટા ભાગનું શૂટીંગ અમદાવાદની પોળમાં થયું છે. એ પોળની ફીલીંગ આપણને પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. પોસ્ટરમાં ગુલાબની પાંદડીઓ મોન્ટુ અને બિટ્ટુ પર ઉડતી દેખાઈ રહી છે. મોન્ટુની બિટ્ટુ એક કલરફૂલ ગુજરાતી ફિલ્મ છે એવી વાત સાંભળી તો હતી પણ અહીં પોસ્ટરમાં એ વાત જોવા મળે છે.  વિજયગીરી ફિલ્મોસ પ્રોડકશન હાઉસની ફિલ્મ મોન્ટુની બિટ્ટુ એક સંપૂર્ણ પારિવારિક મનોરંજનથી ભરપૂર એવી લાઈટહાર્ટેડ ફિલ્મ છે.

આરોહી પટેલ, મૌલિક નાયક, મેહુલ સોલંકી, હેમાંગ શાહ, પીન્કી પરીખ દેસાઈ, હેપ્પી ભાવસાર, કિરણ જોષી, કૌશાંબી બટ્ટ, વિશાલ વૈશ્ય અને બંસી રાજપૂતે આ ફિલ્મમાં અભિનય કર્યો છે. ટ્વિંકલ બાવા દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ્સ રામ મોરીએ લખ્યા છે, ફિલ્મનો સ્ક્રીનપ્લે વિજયગીરી બાવા, પ્રાર્થી ધોળકિયા અને રામ મોરીએ લખ્યો છે. ફિલ્મમાં મેહુલ સુરતીનું મ્યુઝિક છે. ફિલ્મનું ટ્રેઈલર અને રીલીઝ ડેટ થોડા દિવસોમાં જાહેર થશે. (૧૪.૬)

(4:56 pm IST)