Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

લોક જાગૃતી અર્થે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના કલાકારો દ્વારા વોટસએપ ઝૂબેશ પુરજોશમાં

કોરોના વાયરસ સામે ખાસ એપીસોડ બાદ વધુ એક સરાહનીય પગલુ આશીતભાઇ મોદી ટીમ દ્વારા લેવાયું : જેઠાલાલ-ટપ્પુ-પોપટલાલ દ્વારા કાળજી રાખવા માર્મિક અપીલઃ જનતા કફર્યુની પીએમની અપીલને વ્યાપક બનાવતા ચંપકચાચા

રાજકોટ, તા., ૨૦: સબ ટીવી પર પ્રસિધ્ધ થતી અને હાસ્યની છોળો ઉડાડવા સાથે મનોરંજનના માધ્યમથી કરંટ ઇસ્યુ લઇ લોકોને જાગૃત કરતી નિલા ફિલ્મ પ્રોડકટશન પ્રા.લી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ દ્વારા કોરોના વાયરસ સામે  સિરીયલ દ્વારા વ્યાપક જન અભિયાન અંતર્ગત  કોરોના વાયરસની ગંભીરતા મનોરંજન સાથે પીરસતો ખાસ એપીસોડ અર્પણ કર્યા બાદ હવે લોકોને કલાકારોના માધ્યમથી વોટસએપ મેસેજ દ્વારા જાગૃત કરવાનો અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના  લોકપ્રિય મુખ્ય કલાકાર જેઠાલાલના માધ્યમથી લોકોને એવો સંદશો પાઠવવામાં આવે છે કે  'કોરોનાથી ડરો નહિ', સિરીયલમાં રોશનસિંઘ સોઢીના પત્ની રોશનનું પાત્ર ભજવતી પારસી મહિલા એવો સંદેશો આપે છે કે મહેરબાની કરી તમારા હાથ ધોવો.

જયારે જુના ટપુની જગ્યાએ આવેલ નવા ટપુ એવા રાજ અનડકટ દ્વારા લોકોને સલામત રહો એવો મેસેજ આપવામાં આવ્યો છે. જેના લગ્નની રાહ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના  મોટા પ્રમાણના દર્શકો જેના લગ્નની આતુરતાથી વાટ જોઇ રહયા છે તેવા પત્રકાર પોપટલાલ લોકોને બહાર નિકળવાનું ટાળો તેવો મેસેજ આપી રહયા છે. સોનુ પણ વારંવાર હાથ ધોવાની બાબત પર ભાર મુકી રહી છે અને છેલ્લે જેઠાલાલના પિતાનું પાત્ર ભજવતા અમીત ભટ્ટ અર્થાત તળપદી ભાષા માટે જાણીતા ચંપકચાચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કફર્યુ પાડવા કરેલી અપીલ સંદર્ભે લોકોને ઘરથી બહાર ન નિકળવા વોટસએપ મેસેજ દ્વારા અપીલ કરી છે.

મીની ભારત જેવા ગોકુલધામમાં વસતા વિવિધ પ્રદેશના લોકોમાં ભાઇચારો, સર્વ ધર્મ સમભાવના સંદેશા બાદ સમગ્ર દુનિયા જેનો સામનો કરી રહી છે તેવા કોરોના વાયરસ સામે લોકોને બચાવી શકાય તે માટે જાગૃત કરવાનું આ અભિયાન નિર્માતા આશીતભાઇ મોદીના સુચનથી પ્રોડકશન હેડ  સોહીલ રામાણી ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

(12:15 pm IST)