Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ઇન્‍ડિયન આઇડોલના સેટ ઉપર નેહા કક્કરની દરિયાદિલી જોવા મળીઃ જાણીતા ગીતકાર સંતોષ આનંદ આર્થિક તંગીમાં હોવાથી 5 લાખની મદદ કરી

નવી દિલ્હી: નેહા કક્કર નામ આપણી સામે આવે એટલે સની સની, મનાલી ટ્રેન્સ, આઓ રાજા, ધતિંગ નાચ, લંડન ઠુમક દા, કાલા ચશ્મા, તૂ હી યાર મેરા જેવા ગીત આપણી નજર સામે શરૂ થઈ જાય. જોકે નેહાને આટલું નામ અને શૌહરત કંઈ એમ જ મળી ગઈ નથી. તેના માટે તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. નેહા ભાઈ ટોની અને બહેન સોનુ કક્કર સાથે નાની ઉંમરથી જ માતા રાનીના જાગરણમાં ભજન ગાતી હતી. જોકે આજે તે કોઈપણ ઓળખાણની મોહતાજ નથી. તે આજે બોલિવુડની પોપ્યુલર સિંગર બની ગઈ છે.

તેણે એકથી એક ચઢિયાતા ગીત આપ્યા છે. હાલમાં મુંબઈના વર્સોવામાં જે ફ્લેટમાં તે રહે છે, તેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમય હતો, જ્યારે નેહાના પરિવારની સ્થિતિ સારી ન હતી. જેના કારણે તે અવાર-નવાર લોકોને મદદ કરતી જોવા મળે છે. તેની અર્શથી ફર્શની કહાની અમારા આ આર્ટિકલમાં જોઈશું.

ગીતકાર સંતોષ આનંદનો સહારો બની નેહા કક્કર:

નેહા કક્કરે હાલમાં જ ગીતકાર સંતોષ આનંદની આર્થિક મદદ કરી. 'જિંદગી કી ના તૂટે લડી પ્યાર કરલે ઘડી દો ઘડી' જેવા અનેક શાનદાર ગીતને સંગીત આપનારા જાણીતા ગીતકાર સંતોષ આનંદ આજે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને હાલમાં ઈન્ડિયન આઈડોલ-12માં આમંત્રિત કરવામાં આવ્યા હતા. શરીરથી લાચાર સંતોષ આનંદ શર્માએ પોતાની કહાની જણાવતાં કહ્યું કે તેમની પાસે કોઈ કામ નથી. અને દેવું છે. તેમની કહાની સાંભળીને નેહા કક્કર 5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી.

શાંતાબાઈની કહાની સાંભળી વધાર્યો મદદનો હાથ:

નેહાએ વર્ષ 2020માં ઈન્ડિયન આઈડોલના સેટ પર શાંતાબાઈ પવાર ઉર્ફે વોરિયર આજીની 1 લાખ રૂપિયા આપીને મદદ કરી. 85 વર્ષના શાંતાભાઈ પવાર તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે પુણેના રસ્તાઓ પર માર્શલ આર્ટ કરતાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. ઈન્ડિયન આઈડોલ-11માં આવીને શાંતાબાઈએ પોતાની દુખભરી કહાની સંભળાવી હતી અને જણાવ્યું હતું કે તે 10 અનાથ છોકરીઓને ઉછેરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે લોકડાઉનમાં અનેક દિવસો એવા પસાર થયા જ્યારે તે અનાથ બાળકીઓનું પેટ ભરવા માટે તે પોતે ભૂખ્યા રહ્યા. શાંતાબાઈ પવારની કહાનીથી ભાવુક થઈને નેહાએ ત્યારે તેમને 1 લાખ રૂપિયા આપ્યા હતા.

લોન લઈને શોમાં આવેલા સ્પર્ધકને આપ્યા 1 લાખ રૂપિયા:

ઈન્ડિયન આઈડોલ-11માં નેહા કક્કરે એક એવા સ્પર્ધકની મદદ કરી હતી. જે બેંકમાંથી લોન લઈને શોમાં પહોંચ્યો હતો. જયપુરના સ્પર્ધક શહઝાદ અલીએ ઈન્ડિયન આઈડોલના મંચ પર પોતાની જણાવતાં કહ્યું હતું કે બાળપણમાં તેની માતાનું અવસાન થયું હતું. જેના પછી તે પોતાની નાનીને ત્યાં મોટો થયો. તેની નાનીએ ઈન્ડિયન આઈડોલમાં મોકલવા માટે બેંકમાંથી 5000 રૂપિયાની લોન લીધી હતી. નેહા આ કહાની સાંભળીને પોતાના આંસુઓને રોકી શકી ન હતી. અને ત્યારે તેણે શહઝાદને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

સંગીતકાર રોશન અલીને 2 લાખ રૂપિયા આપ્યા:

ઈન્ડિયન આઈડોલ-11માં સની હિંદુસ્તાનીએ સંગીતકાર રોશન અલી સાથે પરફોર્મન્સ આપ્યું. રોશન અલી પહેલાં દિગ્ગજ ગાયક નુસરત ફતેહ અલી ખાન સાથે પરફોર્મ કરતા હતા. તે સમયે તેમની ટીમના મહત્વના સભ્ય હતા. પરંતુ પછી તેમને સ્વાસ્થ્યના કારણે નુસરત ફતેહ અલી ખાનની ટીમને છોડવી પડી. જેના પછી તે આર્થિક સંકટમાં મૂકાઈ ગયા. આ કહાની સાંભળીને નેહા ભાવુક થઈ ગઈ અને મદદ તરીકે 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો.

ઝારખંડના દિવાસને 1 લાખ રૂપિયાની કરી મદદ:

ઝારખંડનો દિવાસ ઈન્ડિયન આઈડોલ-11માં જોવા મળ્યો હતો. તેણે ઓડિશન રાઉન્ડમાં તેરી દિવાની સોંગ ગીત રજૂ કર્યું હતું. ગીતમાં તેનો સુમધુર અવાજ સાંભળીને તમામ જજ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેની કહાની સાંભળીને નેહા કક્કરની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને તેણે 1 લાખ રૂપિયા દિવાસને આપ્યા હતા. કેમ કે દિવાસ છેલ્લાં અનેક વર્ષોથી મુંબઈમાં કોલેજની કેન્ટીનમાં વાસણ સાફ કરવાનું કામ કરતો હતો. અને તેણે ઘણાં વર્ષોથી દિવાળીની ઉજવણી કરી ન હતી.

સંગીતકાર કેશવલાલની આ રીતે કરી મદદ:

વર્ષ 2018માં નેહા કક્કરે સિંગર અને કંપોઝર વિશાલ દદલાની સાથે મળીને સંગીતકાર કેશવ લાલની મદદ કરી. ફિલ્મ પુરાની નાગિનમાં હાર્મોનિયમ વગાડનારા કેશવ લાલે એક સમયે લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા સંગીતકારોની સાથે કામ કર્યુ હતુ. પરંતુ પછીથી તેમની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી. દીકરાઓ પણ તેમને તરછોડી દીધા. મુંબઈ જેવા મોટા શહેરમાં કઈ રીતે રહેવું તે સૌથી મોટો સવાલ સર્જાયો. ત્યારે પત્નીની સાથે તે રસ્તા પર હાર્મોનિયમ વગાડતા. લોકો જે કંઈપણ આપતાં તે લઈ લેતાં. પરંતુ ક્યારેય ભીખ માગતા નહી. જ્યારે કેશવલાલ ઈન્ડિયન આઈડોલમાં પહોંચ્યા અને નેહા કક્કરને તેમની આ કહાનીની માહિતી મળી. ત્યારે તેણે અને વિશાલ દદલાનીએ એક-એક લાખ રૂપિયાની મદદ કરી હતી.

હવે તમને એમ થતું હશે કે નેહામાં દરિયાદિલીના ગુણ ક્યાંથી આવ્યા. તો તેના માટે તમારે આ માહિતી જાણવી જરૂરી છે.

સંઘર્ષમાંથી સ્ટાર બની નેહા:

નેહા કક્કરની ભલે એમ કહીને મજાક ઉડાવવામાં આવતી હોય કે તે વાતે-વાતે રડવા લાગે છે. પરંતુ ભાગ્યે જ લોકો જાણતા હશે કે તેનું દિલ કેટલું મોટું છે. તે પોતે ગરીબી અને મુશ્કેલીથી ભરેલા દિવસોમાંથી બહાર આવી છે. જેના કારણે તે સારી રીતે જાણે છે કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે શું થાય છે. જેના કારણે તે સમયે-સમયે જરૂરિયાતમંદોની મદદ કરે છે.

સ્કૂલની પાસે સમોસા વેચતા હતા પપ્પા:

નેહા કક્કરે શો દરમિયાન પોતાની કહાની સંભળાવતાં તે ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે આંખોમાં આંસુ સાથે કહ્યું હતું - જ્યારે હું નાની હતી ત્યારે મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. જે સ્કૂલમાં મારી બહેન સોનુ કક્કર ભણતી હતી. ત્યાં મારા પપ્પા સમોસા વેચતા હતા.

ભજન ગાનારી છોકરી આવી રીતે બની બોલિવુડની ટોપ સિંગર:

નેહાનો જન્મ ઉત્તરાખંડના ઋષિકેશમાં 6 જૂન 1988માં થયો હતો. તેની માતા નીતિ અને પિતાનું નામ ઋષિકેશ કક્કડ હતું. નેહાએ માત્ર 4 વર્ષની ઉંમરમાં જ ગીત ગાવાનું શરૂ થયું હતું. તે પોતાની મોટી બહેન સોનુ કક્કરની સાથે દેવી જાગરણ અને માતાની ચોકીમાં ભજન ગાતી હતી. પછી તે પોતાની બહેન અને પરિવારની સાથે દિલ્લી શિફ્ટ થઈ ગઈ. અહીંયા તેણે પોતાનું શરૂઆતનો અભ્યાસ ન્યૂ હોલી પબ્લિક સ્કૂલમાં પૂર કર્યો. નેહાને સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ઈન્ડિયન આઈડોલમાં ભાગ લેવાની તક મળી. જ્યારે નેહા 11મા ક્લાસમાં હતી ત્યારે તે સ્પર્ધક તરીકે આ શોનો ભાગ બની હતી. નેહા ઈન્ડિયન આઈડોલ-2માં આગળ વધી શકી ન હતી. આજે તે જ ઈન્ડિયન આઈડોલ શોની જજ તરીકે નેહા કામ કરી રહી છે.

પોતાનું આલ્બમ બનાવ્યું:

માતાની ચોકીમાં ભજન ગાનારી નેહા ઈન્ડિયન આઈડોલમાં ફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ ટાઈટલ જીતી શકી ન હતી. તેના પછી 2008માં નેહાએ પોતાનું આલ્બમ નેહા ધ રોક સ્ટાર લોન્ચ કર્યું. નેહાનું પહેલું હિટ સોંગ હતું કોકટેલ ફિલ્મનું સેકંડ હેન્ડ જવાની. પરંતુ તે જાણીતી બની યારિયા ફિલ્મના ગીત સની-સનીથી.

ભાઈ-બહેન બંને બોલિવુડમાં:

નેહાની બહેન પણ બોલિવુડ સિંગર છે. તે પણ બાબુજી જરા ધીરે ચલો જેવા અનેક ફેમસ ગીત ગાઈ ચૂકી છે. સ્ટાર બન્યા પછી પણ સોનુ અને નેહા એકસાથે જાગરણ અને માતાની ચોકીમાં ભાગ બની ચૂકી છે. નેહાનો ભાઈ ટોની કક્કર પણ મ્યુઝિક કંપોઝર છે. તે અત્યાર સુધી બોલિવુડ અને નેહા માટે અનેક ગીત કંપોઝ કરી ચૂક્યો છે.

પસંદગીની ફિલ્મો, જેમાં નેહાએ આપ્યા હિટ ગીત:

1. દંગલ :  નૈના

2. ફોર્સ-2: ઓ જાનિયા

3. મૈ તેરા હીરો ફોન મેં તેરી ફોટો

4. બાગી: લેટ્સ ટોક અબાઉટ લવ

5. બાર-બાર દેખો: કાલા ચશ્મા

6. દિલવાલે: ટુકુર ટુકુર

7. હેટ સ્ટોરી-3: તૂ ઈશ્ક મેરા

8. લવશુદા: દોનો કે દોનો

9. કેલેન્ડર ગર્લ્સ: વી વિલ રોક ધ વર્લ્ડ

10. ગબ્બર ઈઝ બેક: આઓ રાજા

11. એક પહેલી લીલા: એક દો તીન ચાર

12. ફટા પોસ્ટર નીકલા હીરો: ધતિંગ નાચ

13. કોકટેલ: સેકંડ હેન્ડ જવાની

14. સ્ટ્રીટ ડાન્સર 3ડી- ગરમી

15. રાબતા - મે તેરા બોયફ્રેન્ડ

(5:00 pm IST)