Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

નફીસા અલી કેન્સરના ત્રીજા સ્ટેજમાં

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી નફીસા અલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને પોતાને કેન્સર થયું હોવાનો ખુલાસો કર્યો છે. તેઓ કેન્સરનાં ત્રીજા સ્ટેજ પર છે. ઇરફાન ખાન, સોનાલી બેન્દ્રે અને આયુષ્યમાન ખુરાનાની પત્ની બાદ હવે નફિસા અલીને આ ખતરનાક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે સોનિયા ગાંધી સાથેની તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. નફીસા અલી આમ તો બંગાળી હીરોઇન છે, પરંતુ અમિતાભ બચ્ચન સાથે આવેલી ફિલ્મ ‘મેજર સાબ’, ઋતિક રોશન સાથેની ફિલ્મ ‘ગુજારિશ’ અને ધર્મેન્દ્રની ફિલ્મ ‘યમલા પગલા દીવાના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ પહેલા સોનાલી બેન્દ્રેને કેન્સર હોવાના સમાચાર હતા. તો ઇરફાન ખાનને પણ કેન્સર થયું છે અને તે પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યો છે.હવે નફીસા અલીને પણ કેન્સર હોવાના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. નફીસા અલીએ પોતાના જુના દોસ્ત અને પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તસવીર શેર કરતા લખ્યું કે, ‘હાલમાં જ મારી દોસ્ત સાથે કિંમતી પળો વિતાવી, જેમણે મને તાજેતરમાં ખબર પડેલા સ્ટેજ 3 કેન્સરથી જલ્દી ઠીક થવાની શુભકામના આપી હતી.’ નફીસાએ જાણીતા પોલો પ્લેયર કર્નલ આરએસ સોઢી સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 દીકરીઓ અને એક દીકરો છે.

(4:46 pm IST)