Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

બોલિવુડ સ્‍ટાર્સ રશ્‍મિકા મંદાના અને રણબીર કપૂર પ્રથમ વખત ફિલ્‍મ ‘એનિમલ'માં જોવા મળશે

ફિલ્‍મ ‘એનિમલ'નું ટીઝર 28 સપ્‍ટેમ્‍બરે રિલીઝ થશે

મુંબઈઃ રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નું નવું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રણબીર કપૂરનો લુક જોરદાર છે. આ ફિલ્મમાં તેના વાળ લાંબા છે, તેણે ગોગલ્સ પહેર્યા છે અને તેણે મોંમાં સિગારેટ દબાવી રાખી છે. રણબીર કપૂરના આ દમદાર લુકને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. પોસ્ટરની સાથે ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટ અને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' આ વર્ષના અંતમાં એટલે કે 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલનો સમાવેશ થાય છે.

આ સાથે જ રણબીર કપૂરનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર લાંબા વાળ સાથે જોવા મળશે. જ્યારે આ પહેલા જે પોસ્ટર રિલીઝ થયું હતું તેમાં રણબીર ડેન્જર લુકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર સાથે રશ્મિકા મંદન્ના મુખ્ય ભુમિકામાં હશે.

આ ફિલ્મમાં રશ્મિકા અને રણબીર પહેલીવાર એકસાથે સ્ક્રીન શેર કરશે અને તેમને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ બંને સિવાય ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ જેવા ઘણા કલાકારો છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું પ્રી-ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

(5:52 pm IST)