Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગુજરાતી ફિલ્મ સૂર્યાંશનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ

પાંચમીએ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશેઃ ગુનાખોરીની સ્થિતિ-પ્રમાણિક પોલીસ અધિકારીના તેને નાથવાના પ્રયાસોની વાત રજૂ કરતી ફિલ્મ દર્શકોને ગમશે

અમદાવાદ, તા.૧૯: ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કંઇક અલગ સ્ટોરી સબજેક્ટ સાથેની એકશન થ્રીલર ગુજરાતી ફિલ્મ સૂર્યાંશ તા.૫મી ઓકટોબરે તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે, ત્યારે ફિલ્મના ડાયરેકટર આશિત શાહ, કેતન પટેલ તેમ જ સચિન દેસાઇ ઉપરાંત ફિલ્મના નાયક ફ્રેડી દારૂવાલા, મેહુલ બુચ, લીના આશરા, જય ભટ્ટ, વિવેક શાહ, આશિષ કક્કડ, નિર્મિત વૈષ્ણવ, પ્રશાંત બારોટ, રાજ લાલચંદાણી સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરમાં વાયએમસીએ કલબ ખાતે ગુજરાતી ફિલ્મ સૂર્યાંશનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. સમાજની ગુનાખોરીની પરિસ્થિતિ અને પ્રમાણિક પોલીસ અધિકારીના તેને નાથવાના પ્રયાસોની વાત કંઇક અલગ અને અનોખી રીતે રજૂ કરતી ફિલ્મ દર્શકોને પસંદ પડશે તેવી આશા ફિલ્મના કલાકારો અને ડાયરેકટર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ સૂર્યાંશની વાર્તા ગુજરાતના એક બહાદુર અને પ્રમાણિક પોલીસ ઓફિસર કરણની આસપાસ ગુંથાયેલી છે. પોલીસ ઓફિસર કરણ શહેરમાં થતાં ગુનાઓને રોકવા તથા ગુનેગારોને પકડવાના મીશન પર હોય છે ત્યારે શહેરમાં થતાં ગુનાઓ પાછળનું ભેજું અને બેતાજ બાદશાહ ગણાતા વિક્રમ રાણા જે પોલીસની શંકામાં ટોપ લીસ્ટમાં છે તેને કરણ અજાણતાં પોતાના ગુરૂ માની બેઠો હોય છે. શહેરમાં એક મર્ડર કેસની તપાસ ઉપરાંત અન્ય ઘટનાઓની પણ કરણ તપાસ કરી રહ્યો હોય છે ત્યારે સમગ્ર ફિલ્મમાં આગળ જતાં જટિલ પરિસ્થિતિ સર્જાય છે. કરણ આ ફિલ્મમાં સત્યની શોેધમાં હોય છે ત્યારે તેની સાથે એક મહિલા પ્રેસ રિપોર્ટર અદિતી અને સબ ઇન્સ્પેકટર જહાંગીરખાન પણ જોડાયેલ હોય છે. બધા ભેગા મળી સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે દરમ્યાન તેઓને કેવા પડકારો અને મુસીબતોનો સામનો કરવો પડે છે અને કેવી રીતે સત્ય માટે ઝઝુમવું પડે છે તેની સાચો એહસાસ કરવા દર્શકોએ ગુજરાતી ફિલ્મ સૂર્યાંશ સિનેમાઘરોમાં માણવી જ રહી એમ ફિલ્મના ડાયરેકટર અને કલાકારોએ અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણા વખત પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની એકશન થ્રીલર ફિલ્મ આવી રહી હોઇ ગુજરાતી દર્શકોને ફિલ્મ ગમશે તેવો અમને પૂરો વિશ્વાસ છે. ફિલ્મના મ્યુઝિક ડાયરેકટર નવરાજ હંસ, ઋત્વિજ પંડયા અને અર્ચિત પાટડિયા તેમ જ ફિલ્મના કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તા મ્યુઝિક લોન્ચીંગ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મમાં સુંદર અભિનેત્રી હિના અછરા આકર્ષક પાત્ર નિભાવી રહી છે, જે કરણને પ્રેમ કરે છે.

અનોખી સ્ટોરી અને એકશન થ્રીલર ફિલ્મ સૂર્યાંશ અત્યારથી જ ફિલ્મ રસિકોમાં ભારે ચર્ચા જગાવી ચૂકી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૂર્યાંશ ફિલ્મને લઇ મોટી આશા છે, જે તા.૫મી ઓકટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(10:21 pm IST)