Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સામાજિક વિષયો પરની ફિલ્મો વધુ લોકો સુધી પહોંચે છે: શાહિદ કપૂર

મુંબઈ:અભિનેતા શાહિદ કપૂરે કહ્યું હતું કે દેશહિતના કે સામાજિક વિષયો પરની ફિલ્મો વધુ લોકો સુધી પહોંચે છે. એની અસર પણ સારી થાય છે એવું હું માનું છું.અગાઉ પંજાબના યુવાનોમાં વળગેલી ડ્રગની લત વિશેની ફિલ્મ ઊડતા પંજાબ કર્યા બાદ હાલ શાહિદ કપૂરે શ્રી નારાયણ સિંઘની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ કરી છે. ઉત્તરાખંડ રાજ્યમાં પ્રવર્તતી બેફામ વીજચોરીનો વિષય આ ફિલ્મમાં લેવામાં આવ્યો છે. અગાઉ શ્રી નારાયણ સિંઘ ટોયલેટ એક પ્રેમકથાજેવી ફિલ્મ આપી ચૂક્યા છે. આ ફિલ્મમાં ખુલ્લામાં  હાજતે જતા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે તેમણે વીજચોરી જેવો વિષય હાથ ધર્યો છે.આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે શ્રદ્ધા કપૂર ચમકી રહી છે. હાલ આ બંને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૨૦૧૪માં આ બંને કલાકારોએ વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદર કરી હતી જે વિલિયમ શેક્સપિયરની હેમ્લેટ ટ્રેજેડીનું ભારતીયકરણ હતું. શાહિદે કહ્યું કે આવી ફિલ્મો મનોરંજન અને સામાજિક સમસ્યાનું સરસ મિશ્રણ કરે છે. શ્રી નારાયણ સિંઘને આ પ્રકારના વિષયો હલ કરવાની સરસ ફાવટ આવી ગઇ છે એમ પણ એણે કહ્યું હતું. આ ફિલ્મની કથા નાનકડા નગરની છે એટલે એની ભાષા સ્થાનિક બોલી પર આધારિત હોવાથી થોડી બરછટ લાગે એવી છે. પરંતુ દર્શકો એને માણી શકશે.આ ફિલ્મ મનોરંજનની સાથોસાથ એક સામાજિક સંદેશ લઇને આવે છે એમ એણે ઉમેર્યું હતું. એણે કહ્યું કે હાલના સર્જકો અને લેખકો આવી સરસ સામાજિક વાતો લઇને સ્ક્રીપ્ટ તૈયાર કરે છે એ આવકાર્ય પગલું છે. 

(4:59 pm IST)