Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કલંકની રિલિઝ ડેટ જાહેર: 19 એપ્રિલ 2019માં થશે રિલીઝ

મુંબઇ: ફિલ્મ સર્જક કરણ જોહરની આગામી ફિલ્મ કલંકની રિલિઝ ડેટ બુધવારે જાહેર કરવામાં આવી હતી. સાથોસાથ એવી સ્પષ્ટતા પણ કરાઇ હતી કે સંજય દત્ત અને માધુરી બંને આ ફિલ્મમાં છે ખરાં પરંતુ એક પણ ફ્રેમમાં બંને સાથે નહીં હોય. લગભગ બે દાયકા બાદ આ બંને પરદા પર સાથે ચમકશે એવી માહિતી બે દિવસ પહેલાં વહેતી થઇ એના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સદા બને છે એમ કરણની આ ફિલ્મમાં પણ બહુ મોટી સ્ટાર કાસ્ટ છે. માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટ, વરુણ ધવન , આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત આ ફિલ્મમાં ચમકી રહ્યાં છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો, કરણની ધર્મા પ્રોડક્શન્સ અને નડિયાદવાલા ગ્રાન્ડસન એમ ત્રણ મોટ્ટા બેનર આ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. કરણે કહ્યું કે આ ફિલ્મની કથા મારા માટે સંવેદનશીલ મુદ્દો છે. મારા પિતા આ કથા પરથી ફિલ્મ બનાવવા ઉત્સુક હતા. પરંતુ તેમની હયાતીમાં આ ફિલ્મ બની નહીં. હવે હું બનાવવા જઇ રહ્યો છું.  આ ફિલ્મની કથા ૧૯૪૦ના દાયકાની મહાકાવ્ય જેવી એક કથા છે.શિબાની બથીજાની અત્યંત સંવેદનશીલ સ્ટોરી પરથી અભિષેકે સ્ક્રીપ્ટ તૈયાર કરી છે અને અભિષેક વર્મન પોતે એને ડાયરેક્ટ કરવાના છે. એણે વધુમાં કહ્યું કે આ ફિલ્મ અમે આવતા વર્ષના એપ્રિલની ૧૯મીએ રજૂ કરવાની યોજના ઘડી છે. અભિષેક એક અત્યંત કાર્યક્ષમ ડાયરેક્ટર છે અને એના હાથમાં આ સ્ટોરી મૂકતાં હું નિરાંત અનુભવી રહ્યો છું.

(4:59 pm IST)