Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સલમાન ખાનના પ્રોડકશનમાં બનતી ફિલ્મ નોટબુક દ્વારા પણ શહિદોના પરિવારને ૨૨ લાખની મદદ કરાશે

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ જ્યાં લોકોમાં આક્રોશ છે, તો બોલીવુડ પણ શહીદોના પરિવારોને શક્ય એટલી મદદ કરી રહ્યું છે. બોલીવુડના ટોપ સેલિબ્રિટી અજય દેવગન, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ લોકોએ શહીદોના પરિવારજનોની મદદ માટે આગળ આવ્યા છે. તો ટોટલ ધમાલની ટીમે એલાન કર્યું કે, ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં. તો પાકિસ્તાની કલાકારોનો પર પણ ભારતમાં એન્ટ્રી પર પ્રતિબંધ લાગી ગયો છે. વચ્ચે એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે સલમાન ખાનના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ નોટબુકે પણ શહીદોના પરિવારોને 22 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

સલમાન ખાન સહિત ફિલ્મ નોટબુકના તમામ પ્રોડ્યુસરોએ નિવેદન આપ્યું કે, ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં માત્ર આર્મી અને કાશ્મીરના લોકોને કારણે સફળતાથી થયું છે જેણે અમારી મદદ કરી છે. આટલા કઠિન માહોલ બાદ પણ આર્મીએ અમને સુરક્ષિત રાખ્યા અને કાયદાને ધ્યાનમાં રાખીને અમારૂ શૂટિંગ પૂર્ણ થયું. પરંતુ પુલવામામાં જે થયું તો યોગ્ય નહતું અને અમે વીર જવાનોને શ્રદ્ધાંજલી આપીએ છીએ અને તેના પરિવારજનો માટે પ્રાર્થના કરીએ છીએ.

પ્રાપ્ત માહિતી અનુસાર નોટબુકની ટીમ શહીદોના પરિવારજનોને 22 લાખ રૂપિયાની મદદ કરશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી અત્યાર સુધી ઘણા અભિનેતાઓ આતંકી હુમલામાં શહીદ જવાનો માટે દાન આપી ચુક્યા છે. જેમ કે દિલજીત દોસાંઝ, અમિતાભ બચ્ચન, અજય દેવગન. એટલું નહીં દેશની જનતા પણ ઓનલાઇન એપ પેટીએમ દ્વારા શહીદોના પરિવારજનોને પૈસા મોકલી રહી છે. મહત્વનું છે કે, હુમલામાં 40 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

(5:06 pm IST)