Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જેઠાલાલની દુકાનમાં દિવાળીની ઘરાકી સમયે જ ચોતરફ પાણી પાણી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દિપોત્સવી એપીસોડોમાં મેઘમલ્હાર જેવા દ્રશ્યોઃ સસ્પેન્સ : ખુલશે તો દર્શકોની મજા બગડી જશેઃ નિર્માતા આશીતભાઇ મોદી સાથે અકિલાની વિશેષ વાતચીતઃ નટુકાકા-બાઘાબોય અને બાવરી લીકેજ દુર કરવા જે કીમીયા અજમાવે છે તે જોઇ દર્શકો હસી હસીને લોથપોથ થઇ જશે

જેઠાલાલની ગડ્ડા ઇલેકટ્રોનીકસની દુકાનમાં દિપોત્સવી તહેવારોની ઘરાકી સમયે જ દુકાનમાં પાણી-પાણી થઇ જતા લીકેજ શોધવા નટુકાકા, બાઘાબોય, બાવરી અને જેઠાલાલ, ભીડે માસ્તર, પત્રકાર પોપટલાલ વિગેરે દ્વારા જે ચિત્ર-વિચિત્ર કીમીયા અજમાવાય છે અને પરિણામે હાસ્યનું જે હુલ્લડ સર્જાય છે તે જોઇ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકોની દિવાળી સુધરી જશે.

રાજકોટ, તા., ૧૮: સબ ટીવી પર સતત પ્રસારીત થતી અને નિર્દોષ હાસ્ય પીરસવા સાથે પરિવાર સાથે બેસીને જોઇ શકે તેવી હાસ્યના ફુવારા ઉડાડતી લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિપોત્સવી તહેવાર સમયે જ જેઠાલાલની ગડા ઇલેકટ્રોનીકસની દુકાનમાં અચાનક ઉપરથી પાણી લીકેજ થતા જેઠાલાલ, નટુકાકા અને બાઘાબોય વિગેરે આ સમસ્યા હલ કરવા પોતપોતાની રીતે જે પ્રયત્નો કરે છે તેને કારણે હાસ્યની હારમાળા સર્જાઇ છે અને લોકોને વધુ એક વખત હાસ્યના હોજમાં આ સીરીયલ ધુબાકા ખવડાવશે તે વાત નક્કી છે.

ઉકત બાબતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આશિતભાઇ મોદીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આખા એપીસોડ વિષે હું કહીશ તો દર્શકોનો આનંદ ઓછો થઇ જશે. માટે સસ્પેન્સ જાણ્યા વગર આ હપ્તાઓ દર્શકો માણશે તો  દિવાળીની ખુશી બેવડાઇ જશે.

દુકાનમાં (ગડા ઇલેકટ્રોનીકસ) કે જે દુકાન જેઠાલાલની માલીકીની છે તે દુકાનમાં ભરાયેલા પાણી દુર કરી દિપોત્સવી સમયે જ લોકો મોટી ખરીદીમાં આવ્યા હોય ત્યારે આવા પાણી ભરેલા જોઇ ખરીદી કર્યા વગર પાછા ન ફરે તે માટે નટુકાકા, બાઘાબોય અને બાવરી પોતપોતાની રીતે જે કીમીયા કરે છે તે જોઇ પણ દર્શકો હસી-હસીને લોથપોથ થઇ જશે.

ખરેખર લીકેજ કયાં હતું, કયાંથી પાણી ભરાયું  અને આ પાણીથી તરબોળ જેઠાલાલની દુકાન ગડા ઇલેકટ્રોનીકસમાંથી  પાણી કઇ રીતે દુર કરાયા આ બધી રસપ્રદ બાબતો આશીતભાઇ મોદી નિર્મિત નીલા ટેલીફિલ્મસના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સબ ટીવી પર પ્રસારીત થતા સોમવારથી શુક્રવારના હપ્તાઓમાં જોવા મળશે. દર્શકો આ હપ્તાઓ જોવાનું ચુકે નહિ તેમ આશીતભાઇ મોદીએ ભારપુર્વક અકિલાના માધ્યમથી જણાવ્યું છે.

(11:45 am IST)