Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મને સ્ટાર બનવાની કોઇ ઉતાવળ નથી: સાન્યા મલ્હોત્રા

મુંબઈ: દંગલ ફેમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ કહ્યું હતું કે મને સ્લો એન્ડ સ્ટેડી (ધીમી પણ મક્કમ ગતિએ ) આગળ જવામાં વધુ રસ છે. મને સ્ટાર બનવાની કોઇ ઉતાવળ નથી.આ માસની ૨૮મીએ રજૂ થઇ રહેલી વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખામાં ચમકી રહેલી સાન્યાની આયુષમાન ખુરાના સાથેની ફિલ્મ બધાઇ હો ઓક્ટોબરની ૧૨મીએ રજૂ થવાની છે. આમ અત્યંત ટૂંકા સમયગાળામાં એની બે ફિલ્મો રજૂ થવાની છે. પહેલી ફિલ્મ ચરણજિત સિંઘ પથિકની ટૂંકી વાર્તા પર આધારિત છે જેમાં બે બહેનો વચ્ચેની સ્પર્ધા અને  ખેંચતાણની વાત છે જ્યારે બીજી ફિલ્મમાં ઘરમાં યુવાન પુત્ર અને પૌત્રની હાજરીમાં ફરી માતા બનતી એક પ્રૌઢાની વાત છે.સાન્યાએ કહ્યું, 'મને વિશાલ ભારદ્વાજ, આયુષમાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને રિતેશ બાત્રા જેવા સર્જનશીલ લોકો સાથે કામ કરવાની તક મળી છે એટલે હું ખુશ છું. હું સ્લો એન્ડ સ્ટેડી જવામાં વધુ રસ ધરાવું છું. ઉતાવળ કરવાથી ઘણીવાર ખોટાં પગલાં ભરાઇ જાય છે. દંગલ ફિલ્મ રજૂ થયા બાદ મારી બીજી ફિલ્મ રજૂ થવામાં સારો એવો સમય વીત્યો છે એ હું જાણું છું. પરંતુ ઉતાવળમાં ખોટી ફિલ્મો લેવી એના કરતાં ધીમે ધીમે આગળ વધવામાં મારું હિત રહેલું છે એવું મને લાગ્યું છે. મને જરા અસલામતી લાગતી નથી. દંગલ પછી બધાઇ હો મારી બીજી મોટી ફિલ્મ છે. જે રીતે મારી કારકિર્દી આગળ વધી રહી છે એનાથી મને સંતોષ છે.

(4:59 pm IST)