Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

આસામના પૂરગ્રસ્તો માટે અક્ષયકુમારે રૂ. બે કરોડની સહાયતા કરી

મુંબઈ, તા.૧૮: ઈશાન ભારતના રાજય આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના ૩૩માંથી ૩૦ જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને હિજરત કરવી પડી છે, વિસ્થાપિત થયા છે. આવા ભયાનક કુદરતી મેઘતાંડવમાં ત્યાંના લોકોની મદદ માટે બોલીવૂડ અભિનેતા અક્ષયકુમાર આગળ આવ્યો છે. એણે મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં કુલ બે કરોડની રકમ દાન રૂપે આપી છે.

એક કરોડ રૂપિયા એણે પૂરગ્રસ્ત રાજય માટે અને બીજા એક કરોડ રૂપિયા કાઝીરંગા નેશનલ પાર્ક માટે આપ્યા છે.

અક્ષયે ટ્વીટ કરીને લખ્યું છે કે આસામમાં પૂરે વેરેલા વિનાશનાં દ્રશ્યો જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. આવા મહાસંકટના સમયમાં ત્યાંના તમામ અસરગ્રસ્ત માનવીઓ તથા પ્રાણીઓને સહાયતા કરવી જોઈએ. હું મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં એક કરોડ રૂપિયા તેમજ કાઝીરંગા પાર્કમાં બચાવકાર્ય માટે અલગ એક કરોડ રૂપિયા દાનમાં આપીશ.

એણે વધુમાં લખ્યું છે, યોગદાન આપવાની તમામને અપીલ કરું છું.

આસામમાં પૂર તથા ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં ૧૫ જેટલા લોકો માર્યા ગયા છે અને ૪૬ લાખ જેટલા લોકોને માઠી અસર પડી છે.(૨૩.૨)

(10:09 am IST)