Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

વિજયે ૧ ફિલ્મના લીધા ૧૦૦ કરોડઃ બોલીવુડના બધા સ્ટાર્સને પાછળ રાખી દીધાઃ રેકોર્ડ નોંધાવ્યો

'થલપથી ૬૫' ફિલ્મ માટે સન પીકચર્સે ૫૦ કરોડ એડવાન્સ પણ આપ્યા

ચેન્નાઇ, તા.૧૮: સાઉથ ફિલ્મ સ્ટારની બોલબાલા એટલી છે કે બોલીવુડના સ્ટાર્સને પણ તેમની પાછળ રહે છે. અહેવાલ સામે આવ્યા છે કે સાઉથના આ સુપર સ્ટારે ફિલ્મની ફીમાં બોલીવુડના શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રણબીર કપૂર જ નહીં પરંતુ થાલાઈવા રજનીકાંતને પણ પાછળ છોડી દીધા છે. જી હા આ સ્ટારનું નામ છે સુપરસ્ટાર વિજય.

વિજયને તમે સાઉથની ફિલ્મ માસ્ટરમાં જોયો જ હશે. હાલમાં તમિલ ઇન્ડસ્ટ્રીથી અહેવાલ આવ્યા છે કે વિજય સાઉથના સૌથી વધુ ફી લેનારા અભિનેતા બની ગયા છે. વિજયે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ માટે તગડી ફી લીધાના અહેવાલ છે. વિજય ડાયરેકટર વામસી પૈદિપલ્લીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આવામાં અહેવાલ અનુસાર 'થલપથી ૬૫ ફિલ્મ માટે સન પિકચર્સે વિજયને ૧૦૦ કરોડ રૂપિયા આપ્યા છે.

આ પહેલા મેગાસ્ટાર રજનીકાંત સૌથી વધુ ફી મેળવનાર સ્ટાર હતા. રજનીકાંતે અગાઉ 'દરબાર'માટે ૯૦ કરોડ ચાર્જ કર્યા હતા, જયારે વિજયે ૧૦૦ કરોડ ચાર્જ કરવાનું જાણવા મળ્યું છે.

અહેવાલો અનુસાર વર્ષ ૨૦૨૧ ની વાત કરીએ તો શાહરુખ ખાને તેની ફિલ્મ માટે ૧૦૦ કરોડ ચાર્જ કર્યા છે. આ ફિલ્મનું નામ છે પઠાન. અન્ય અભિનેતાઓ કરતા શાહરુખનો આ આંકડો વધુ માનવામાં આવે છે. જયારે સલમાન ખાનની ફી ૬૦-૭૦ કરોડ, આમીર ખાનની ફી ૫૦-૬૦ કરોડ, તેમજ અક્ષય કુમારની ફી ૫૦ કરોડ હોવાના અહેવાલ છે. એવામાં સુપરસ્ટાર વિજયની ફીનો આંકડો આશ્યર્યજનક છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સન પિકચર્સે અભિનેતા વિજયને ૫૦ ટકા એટલે કે ૫૦ કરોડ ફી એડવાન્સમાં આપી છે. જોકે અભિનેતાની ૧૦૦ કરોડ ફીની પુષ્ટિ સત્તાવાર રીતે નથી થઇ. કહેવામાં આવી રહ્યું છે કે વિજયની ફિલ્મની જાહેરાત ૨૨ જૂને વિજયના જન્મદિવસ પર થઈ શકે છે.

(4:07 pm IST)