Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

જોધપુર કોર્ટે સલમાન ખાનને વિદેશ જવાના આપી રજા

મુંબઈ: જોધપુરની સેશન્સ કોર્ટે સુપર સ્ટાર સલમાન ખાનને એની અધૂરી પડેલી ફિલ્મોનાં શૂટિંગ પૂરા કરવાં વિદેશ જવાની પરવાનગી આપી હોવાનું જાણવા મળ્યું હતું. ૧૯૯૮ના કાળિયારની ગેરકાયદે હત્યાના કેસમાં એને જિલ્લા કોર્ટે પાંચ વર્ષની જેલની સજા કરી હતી. સલમાને એ સજાને સેશન્સ કોર્ટમાં પડકારી હતી અને જામીન પર છૂટયો હતો. ત્યારબાદ સલમાનના વકીલે એવી વિનંતી કોર્ટને કરી હતી કે સલમાનના અભિન પર કરોડો રૃપિયા રોકાયેલા છે અને એ જામીન તોડીને નાસી જાય એવો નથી. એને વિદેશમાં શૂટિંગ કરવા જવાની પરવાનગી આપવાની અમારી વિનંતી કોર્ટ સ્વીકારે. સેશન્સ કોર્ટે મંગળવારે સલમાનને એની ફિલ્મોનાં શૂટિંગ માટે અમેરિકા, કેનેડા અને નેપાળની મુલાકાત લેવાની રજા આપી હતી. સેશન્સ જજ ચંદ્ર કુમાર સોનગારાએ આ વિનંતી અરજી સ્વીકારીને સલમાનને વિદેશ જવાની રજા આપતો આદેશ પ્રગટ કર્યો હતો. સલમાન ગમે ત્યારે શૂટિંગ માટે વિદેશ જવા રવાના થઇ શકશે. હાલ સલમાન અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત અને રમેશ તૌરાનીની રેસ થ્રી ફિલ્મ કરી રહ્યો છે. ત્યારબાદ એની પોતાની દબંગ થ્રી શરૃ કરશે.

(5:46 pm IST)