Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ભાવનગરની ર ગુજરાતી ફિલ્મોને અડધો ડઝનથી વધુ એવોર્ડ માટે નોમિનેશનમાં પસંદગી

ભાવનગર તા. ૧૮ :.. ભાવનગરની બે ગુજરાતી ફિલ્મોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ માટે નોમિનેશનમાં સ્થાન મળ્યું છે. કંડોલિયા ફિલ્મ્સની 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' ફિલ્મને એક સાથે અલગ અલગ કેટેગરીમાં ૬ એવોર્ડ માટે નોમિનેશન જાહેર થયું છે. જયારે અન્ય ભાવનગરની ફિલ્મ સાહિલ (એલએફસી પ્રોડકશન હાઉસ) ને એક કેટેગરીમાં નોમીનેશનમાં સમાવેશ થયો છે.

વિશ્વભરના લાખો ગુજરાતીઓમાં અનહદ લોકપ્રિય બનેલા ગુજરાતી મનોરંજન એવોર્ડ એવા ટ્રાન્સમીડીયા ગુજરાતી  સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડએ ૧૯ મો ભવ્ય એવોર્ડ સમારંભ મુંબઇમાં ર૯ ફેબ્રુઆરીના રોજ યોજવા આયોજન કર્યુ છે.

ત્યારે ખુશીના સમાચાર છે કે ટ્રાન્સમીડીયા ર૦૧૯ માટે કંડોલિયા ફિલ્મ્સની સુપર ડુપર ફિલ્મ 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' અલગ અલગ કુલ ૬ કેટેગરીમાં નોમિનેશનમાં સ્થાન પામી છે.

તેમાં આ ફિલ્મની અભિનેત્રી પ્રિનલ ઓબેરોયને શ્રેષ્ઠ અભિનેત્રી, કોમેડિયન જીતુ પંડયાને શ્રેષ્ઠ હાસ્ય કલાકારના રોલ માટે, ગાયક રોહિત ઠાકોરને શ્રેષ્ઠ ગાયક, સ્વ. કંચનલાલ નાયકને શ્રેષ્ઠ કલા, માધવ કિશન અને અશ્વિન માસ્ટરને શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશક, મનોજ વિમલને શ્રેષ્ઠ સંગીતકાર કેટેગરીમાં નોમિનેશન માટે પસંદગી થઇ છે.

એક સાથે ૬ એવોર્ડ માટે કંડોલીયા ફિલ્મની ફિલ્મને નોમિનેશન યાદીમાં સ્થાન મળ્યું છે. જયારે એલએફસી પ્રોડકશન હાઉસની ફિલ્મ સાહિલને શ્રેષ્ઠ કલા માટે નોમિનેશન જાહેર થતા ભાવનગરના કલારસિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' ના નિર્માતા હર્ષદ કંડોલિયા અને અનમોલ શાહ છે. એક સાથે ૬ કેટેગીમાં નોમીનેશન મળતા નિર્માતા હર્ષદ કંડોલીયાએ કહયું કે આ ખુશીની વાત છે. અને હું આ માટે મારી સમગ્ર કંડોલીયા ફિલ્મ્સ ટીમની મહેનત રંગ લાવી એમ કહીશ.

(11:53 am IST)