Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સ્મિતા પાટીલે ફક્ત ૧૦ વર્ષની ફિલ્મ કેરિયરમાં લોકોના દિલ ઉપર અમીટ છાપ છોડી હતીઃ રાજ બબ્બરે તેમના માટે પરિવાર છોડી દીધો હતોઃ આજે સ્મિતા પાટીલનો જન્મદિવસ

નવી દિલ્હી: આજે પણ દરેક અભિનેત્રી બોલીવુડની જાણિતી અભિનેત્રી સ્મિતા પાટીલ જેવું મુકામ મેળવવા માંગે છે. પરંતુ આશ્વર્યની વાત એ છે કે જીવનભર એક્ટિંગ કર્યા બાદ પણ ભૂલાવી દેનાર દુનિયામાં સ્મિતા પાટીલએ ફક્ત 10 વર્ષની કેરિયરમાં લોકોના દિલો પર પોતાની અમિટ છાપ છોડી હતી. 1955માં જન્મેલી સ્મિતા પાટીલનો આજે 17 ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ પર જાણીએ તેમના જીવન વિશે ખાસ વાતો...

 સ્મિતા પાટીલનું ફિલ્મી કેરિયર ભલે નાનકડું રહ્યું હોય પરંતુ પોતાના નાના ફિલ્મી કેરિયરમાં તેમણે પોતાની કલાનું સુંદર પ્રદર્શન કર્યું. સ્મિતા પાટીલ પોતાની ફિલ્મો ઉપરાંત રાજ બબ્બર સાથે પોતાના સંબંધોને લઇને ખૂબ ચર્ચામાં રહી હતી. તેમણે ફિલ્મ આજ કી આવાજમાં રાજ બબ્બર સાથે કામ કર્યું હતું.

આ ફિલ્મ બાદ બંને વચ્ચે અફેર શરૂ થઇ ગયું હતું અને બંનેના અફેરે ખૂબ ચર્ચાઓ મેળવી હતી. આમ તો રાજ બબ્બર પહેલાંથી જ પરણિત હતા. તેમણી પત્નીનું નામ નાદિરા બબ્બર હતું અને તેમને એક પુત્ર-પુત્રી હતા, પરંતુ સ્મિતા સાથે પ્રેમના સમાચારો બાદ તેમના માતા-પિતાએ તેમને ઘર અથવા સ્મિતા પાટીલ બંનેમાંથી એકને પસંદ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ રાજ બબ્બરે પોતાનું ઘર છોડી દીધું હતું. ઘર છોડ્યા બદ તેમણે સ્મિતા પાટીલ સાથે લગ્ન કરી લીધા હતા.

સ્મિતા પાટીલનું ફિલ્મી કેરિયર ફક્ત 10 વર્ષનું હતું, પરંતુ તે આજે પણ લોકોના મનમાં છે. તેમણે પોતાના નાનકડા કેરિયરમાં 60થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. એટલું જ નહી તેમની ફિલ્મ 'ચક્ર' માટે નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના લગ્ન 1986માં થયા હતા. બંનેને એક પુત્ર પ્રતીક બબ્બર પણ છે, પરંતુ પુત્રને જન્મ આપ્યાના થોડા સમય બાદ ઇન્ફેકશનના લીધે સ્મિતા પાટીલનું મોત નિપજ્યું. સ્મિતા પાટીલે 31 વર્ષની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમની ફિલ્મો અને તેમની કલાના લીધે આજે પણ લોકોના દિલમાં તેમની આગવી ઓળખ છે.

તેમની છાપ છોડનાર ફિલ્મોમાં જ્યાં 'ભૂમિકા', 'મંથન', 'મિર્ચ મસાલા', 'અર્થ', 'મંડી' અને 'નિશાંત' ની જેવી કલાત્મક ફિલ્મો સામેલ છે, તો બીજી તરફ 'નમક હલાલ' અને 'શક્તિ' જેવી ફિલ્મોના નામ સામેલ છે.

(5:45 pm IST)