Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

દહેજની પ્રથા સામે લડવા માટે શરૂ થઇ હતી 'પકડવા વિવાહ' પ્રથાઃ નિર્દેશક પ્રશાંત સિંહ

આ પ્રથા પર આધારીત સિધ્ધાર્થ મલ્હોત્રા-પરિણીતા ચોપડાની 'જબ્બરીયા જોડી' આવે છે બીજી ઓગષ્ટે

મુંબઇ તા. ૧૭: સિધ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની ફિલ્મ 'જબ્બરીયા જોડી' બીજી ઓગષ્ટના રિલીઝ થવાની છે. રાજસ્થાન અને બિહારના નાનકડા ગામોમાં 'પકડવા વિવાહ' નામની એક પ્રથા છે. આ પ્રથા પરથી ફિલ્મ બનાવાઇ છે. આજે પણ આ પ્રથા ઘણા ગામોમાં ચલણમાં છે. આ પ્રથા મુજબ જે તે પરિવાર પોતાની દિકરીના લગ્નમાં દહેજ આપવું ન પડે તે માટે થઇને છોકરાઓના અપહરણ કરી લે છે અને બળજબરીથી તેના લગ્ન પોતાના કુટુંબની દિકરી સાથે કરાવી દે છે.

આ વિશે નિર્દેશક પ્રશાંત સિંહ કહે છે કે ભારતના અનેક ગામોમાં આ પ્રથા છેલ્લા ત્રીસ વર્ષથી ચલણમાં છે. ગામડાઓમાં લગભગ એંસી ટકા જેટલા લોકો દહેજ આપવા સક્ષમ હોતા નથી. આ કારણે પોતાની દિકરીના લગ્ન આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારના દિકરા સાથે કરાવી શકતાં નથી. આવા પરિવારો દ્વારા દિકરી માટે પૈસાદાર મુરતીયો શોધી તેનું અપહરણ કરી લેવાય છે અને તેના લગ્ન કરાવી દેવાય છે. જેને પકડવા વિવાહ પ્રથા એવું નામ અપાયું છે.  દહેજ પ્રથા સામે લડવા માટે પકડવા વિવાહની શરૂઆત થઇ હતી. આ કહાની ફિલ્મ જબ્બરીયા જોડીમાં દેખાડવામાં આવશે. ફિલ્મના લેખક સંજીવ કે. ઝા અને પ્રશાંત સિંહ બંને બિહાર અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલા છે. શોભા કપૂર, એકતા કપૂર અને બાલાજી ટેલિફિલ્મ્સ તથા શૈલેષ અને પ્રશાંતસિંહ નિર્મિત આ ફિલ્મમાં વાસ્તવિક કહાનીને કાલ્પનિક રૂપ અપાયું છે.

(3:29 pm IST)