Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રોકસ્ટાર હિમેશ રેશમીયાનો ફોટો થયો વાયરલઃ ચાહકોની રમૂજી કોમેન્ટ્સ

મુંબઇ તા. ૧૭: હિમેશ રેશમીયા બોલીવૂડમાં એકટર, પ્રોડ્યુસર, કમ્પોઝર, રાઇટર, સિંગર, કમ્પોઝર, ડિરેકટર એમ અનેક મોરચે પોતાની ક્ષમતા સાબિત કરી ચુકયો છે. તેરા સુરૂર આલ્બમથી તેણે ધમાલ મચાવી દીધી હતી. ખાસ કરીને યુવા દિલોને તેણે ડોલાવી દીધા હતાં. ખુબ જાણીતા ગુજરાતી સંગીતકાર વિપીન રેશમીયાના પુત્ર હિમેશે પ્રારંભે ટીવી સિરીયલોના નિર્માણથી કારકિર્દી આરંભી હતી. એ પછી તેને પિતાને કારણે સલમાન ખાનની ફિલ્મ પ્યાર કીયા તો ડરના કયામાં બે ગીતમાં સંગીતકાર તરીકે તક મળી હતી. તેના એ ગીતો એટલા સુપરહિટ થયા કે પછી તે કારકિર્દીમાં સતત આગળ વધતો ગયો. ડિસ્કો, પોપ, રોક સંગીતમાં તેણે પછી રીતસર ધમાલ મચાવી દીધી હતી.

હિમેશ આજે પણ એટલા જ જોમ જુસ્સાથી સંગીતપ્રેમીઓને ઝુમાવી રહ્યો છે. તાજેતરમાં તેનું નવું મ્યુઝિક આલ્બમ સૂરૂર-૨૦૨૧ રિલીઝ થયું છે. દરમિયાન હિમેશને એક વર્ષો જુની તસ્વીર કદાચ ૧૯૯૮ની અલ્કા યાજ્ઞિક સાથે વાયરલ થઇ છે. જેમાં તે એકદમ ગોળમટોળ દેખાઇ રહ્યો છે. તેની આ તસ્વીર જોઇ ચાહકો ભરપુર કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું હતું કે સમય વીતવાની સાથે હિમેશ વધુ ને વધુ જુવાન થઇ રહ્યો છે. એક ચાહકે લખ્યું હતું કે અગાઉ એ ૫૦ની ઉમરનો લાગતો હતો, હવે ૨૫નો દેખાય છે.

(3:06 pm IST)