Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તૌકતે વાવાઝોડાના ભયથી યે રિશ્તાના સેટ ઉપર નાસભાગ

હાલ શૂટિંગ ગુજરાતમાં થઈ રહ્યું છે : પવનની સાથે વરસાદ આવતા ઝડપથી સેટ પર સમેટી લેવાયું

ગાંધીનગર,તા.૧૭ : તૌકતે નામનું વાવાઝોડું રવિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ટકરાયું હતું. જેના કારણે સાંજે ખૂબ ઝડપથી પવન ફૂંકાયો હતો તેમજ વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. જેની અસર મોહસિન ખાન અને શિવાંગી જોશી લીડ સ્ટારર સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના સેટ પર જોવા મળી હતી. વાવાઝોડાના કારણે સેટ પર નાસભાગ મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી હાલ આ સીરિયલનું શૂટિંગ ગુજરાતના સિલવાસામાં થઈ રહ્યું છે. હાલમાં જ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો ભાગ બનેલા કરણ કુંદ્રાએ વાવાઝોડાની સેટ પર શું અસર થઈ તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પવનની સાથે વરસાદ આવતા ક્રૂ મેમ્બર્સ ઝડપથી સેટ પર બધુ સમેટી કરી રહ્યા છે. વરસાદના કારણે કેટલાક તો પલળી પણ જાય છે અને તેઓ 'ભાગો ભાગોની બૂમ પાડી રહ્યા છે.

કોરોના મહામારીના કારણે સીરિયલની ટીમ બાયો બબલમાં રહીને શૂટિંગ કરી રહી છે. વરસાદ અને પવનના કારણે કલાકારો રવિવારે તેમના ભાગનું શૂટિંગ કરી શક્યા નહીં અને સીનના શૂટિંગને અધવચ્ચેથી છોડીને પોતાના રૂમમાં ભાગ્યા હતા. મહારાષ્ટ્રના મુંબઈમાં કોવિડ-૧૯ના કેસ વધતાં રાજ્ય સરકારે સીરિયલો તેમજ ફિલ્મોમા શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

જેના કારણે બધી સીરિયલના સેટને અન્ય જગ્યાએ રિલોકેટ કરવામાં આવ્યા છે. જેમાં રાજન શાહીની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો પણ સમાવેશ થાય છે. સીરિયલમાં હાલ રણવીર (કરણ કુંદ્રા), કાર્તિક (મોહસિન ખાન) અને સિરત (શિવાંગી જોશી) વચ્ચેના પ્રણય ત્રિકોણને દર્શાવવામાં આવી રહ્યો છે.

(9:17 pm IST)