Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કમલ હસને રાજકારણને લઈને ફિલ્મોને કહ્યું બાય-બાય

મુંબઈ:રાજકારણમાં ઝંપલાવનારા ૬૩ વર્ષના ઍક્ટર કમલ હાસને મંગળવારે જાહેરાત કરી હતી કે 'તામિલનાડુના લોકો માટે પૉલિટિક્સમાં ઝંપલાવવાનો મારો નિર્ણય આખરી અને બદલી ન શકાય એવો છે અને તેથી હું ફિલ્મો કરવાનો નથી. હાલમાં હું બે ફિલ્મો કરી રહ્યો છું અને એ મારી આખરી ફિલ્મો હશે. એ પછી કોઈ નવી ફિલ્મો નહીં લઉં.' 

 

કમલ હાસન આગામી થોડા જ દિવસોમાં તેની પાર્ટી અને એના સિદ્ધાંતોની જાહેરાત કરવાનો છે.ચૂંટણીમાં હારી જશો તો ફિલ્મોમાં પાછા ફરશો એવા સવાલના જવાબમાં અમેરિકાના બૉસ્ટનમાં એક પ્રાઇવેટ ન્યુઝ-ચૅનલને આપેલી મુલાકાતમાં કમલ હાસને કહ્યું હતું કે 'પ્રામાણિક રીતે જીવવા માટે મારે કંઈક કરવું પડશે, પણ મને વિશ્વાસ છે કે હું પરાજિત નહીં થાઉં. હું કોઈ રાજકારણી નથી, પણ છેલ્લાં ૩૭ વર્ષથી હું સોશ્યલ સર્વિસમાં જોડાયેલો છું. 
આ ૩૭ વર્ષમાં મેં દસ લાખ વફાદાર કાર્યકરો મેળવ્યા છે. તેઓ સતત મારી સાથે છે અને મારા કહેવાથી તેઓ વધુ ને વધુ લોકોને જોડી રહ્યા છે. એમાં ૨૫૦ વકીલોનો પણ સમાવેશ છે. તેઓ મારા પક્ષના વૉલન્ટિયરો બનશે.' પોતે ઈમાનદાર હોવાથી હું કોઈ બૅંક-બૅલૅન્સ વધારવા માટે આવ્યો નથી એમ કહીને કમલ હાસને કહ્યું હતું કે 'હું શાંતિની જિંદગી વિતાવી શકું એમ છું, નિવૃત્ત થઈ શકું છું; પણ મારે માત્ર ઍક્ટર તરીકે મરવું નથી. લોકોની સેવા કરતાં-કરતાં હું છેલ્લા શ્વાસ લેવાનું પસંદ કરીશ અને એ જ વાયદો મેં મારી જાત સાથે કર્યો છે.' કમલ હાસન મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુનો ફૅન છે. તેની હિન્દુવિરોધી હોવાની છાપ ઊપસી છે, પણ એ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે 'હું હિન્દુવિરોધી નથી, કારણ કે મારા ઘરમાં ઘણા હિન્દુ છે. કોઈ પણ વિષય પર અંતિમવાદી વિચારસરણીનો હું વિરોધી છું. મારું માનવું છે કે હિન્દુ કટ્ટરવાદ જોખમી છે અને એના વિશે માત્ર ફરિયાદ કરવાથી નહીં ચાલે.'

 

(4:55 pm IST)