Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

'પાવર યોગ' અને 'હોટ યોગ'થી મેળવી શકશો કરીના જેવું 'સ્લિમ ફીગર'

રોજ એકથી બે કલાક કરે છે યોગ

મુંબઇ તા. ૧૭ : કરીના કપૂર બોલિવૂડની સૌથી સુંદર અને ફિટ એકટ્રેસીસમાંથી એક છે. તે તેની સ્લિમ, ઝીરો સાઇઝ ફિટનેસ માટે વર્કઆઉટ, ડાયેટ પ્લાન્સ અને શિસ્ત જીવનશૈલીને કારણ માને છે. કરીના કપૂર યોગની જૂની ફોલોઅર છે. તેનું માનવું છે કે, યોગ શરીર, મગજ અને સ્વાસ્થ્યના વધુ સારા તાલમેલ માટે ખૂબ જરૂરી હોય છે.

કરીના રોજ એક કે બે કલાક સુધી યોગ કરે છે. મોટે ભાગે તે 'પાવર યોગ' કે 'હોટ યોગ'કરવાનું પસંદ કરે છે. યોગનાં આ બે આધુનિક સ્વરૂપનો આજે વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જાણીએ શું છે 'પાવર યોગ'અને 'હોટ યોગ'અને તેનાથી શો ફાયદો થાય છે?

'પાવર યોગ'સૂર્ય નમસ્કારનાં ૧૨ સ્ટેપ્સ અને કેટલાંક અન્ય આસનોને ભેગાં કરીને બનાવાયો છે. સ્લિમ બોડી કે પછી ઝીરો સાઇઝ ફીગર માટે 'પાવર યોગ'ખાસ રીતે અસરકારક છે. પાવર યોગ આજકાલ ખૂબ ઝડપથી યુવાનોમાં લોકપ્રિય છે. યુવતીઓ આ યોગની મદદથી ઝીરો સાઇઝ ફીગર મેળવવાની કોશિશ કરી રહી છે, જયારે યુવકો બોડી સ્ટ્રેન્થ અને કોન્સ્ટ્રેશન વધારવા માટે પાવર યોગ કરે છે.

'પાવર યોગ'માં પ્રત્યેક વ્યકિતના શરીરના આધારે અલગ અલગ પ્રકારની કસરતોનો ઉપયોગ કરવામાં આવે છે. 'પાવર યોગ'માં ઇન્સ્ટ્રકટર તમારી બોડી અનુસાર જ તમને એકસરસાઇઝ ટિપ્સ આપે છે. આ યોગથી સામાન્ય રીતે ચાર પ્રકારના બોડી શેપ બને છે. એપલ શેપ, પિયર શેપ, નોર્મલ શેપ અને ટ્યૂબ શેપ, જેને ઝીરો ફીગર કહેવામાં આવે છે. તેમાં પ્રત્યેક શેપ માટે અલગ અલગ યોગની કસરતો હોય છે.

'હોટ યોગ'૯૦ મિનિટમાં કરવામાં આવતા પ્રાચીન યોગનું એક આધુનિક સ્વરૂપ છે. તેમાં ૨૬ જટીલ આસન અને બે પ્રાણાયામ સામેલ છે. તે એક એવા રૂમમાં કરવામાં આવે છે, જયાં તાપમાન ૪૦ ડિગ્રી સેન્ટીગ્રેડ કે તેનાથી ઉપર રાખવામાં આવે છે. આ સિવાય ત્યાંનું ભેજનું પ્રમાણ ૫૦ ટકાની આસપાસ હોય છે.

ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સાંધાના દુખાવાના ઉપચારમાં, તણાવ દૂર કરવામાં, વધતી ઉંમરની અસર રોકવામાં તથા હૃદય સંબંધિત બીમારીઓથી બચાવવામાં 'હોટ યોગ'ખૂબ ફાયદાકારક છે.(૨૧.૪)

(9:50 am IST)