Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અંતે રિલીઝ થવાની પરવાનગી મળી ફિલ્મ રંગીલા રાજાને: 11 જાન્યુઆરી 2019 થશે રિલીઝ

મુંબઇ: કરોડો રૃપિયાનું કૌભાંડ કરીને વિદેશ નાશી ગયેલા કિંગફિશરના વિજય માલ્યાની જીવનકથા પર આધારિત ફિલ્મ રંગીલા રાજાને આખરે સેન્સર બોર્ડની એપેલેટ કાઉન્સિલે માત્ર ત્રણ કટ સાથે રજૂ કરવાની પરવાનગી આપી હતી.અગાઉ સેન્સર ચીફ રહી ચૂકેલા અને અનેક વિવાદોમાં ઘેરાયેલા સિનિયર ફિલ્મ સર્જક પહલાજ નિહાલાનીની આ ફિલ્મમાં એનો માનીતો અભિનેતા ગોવિંદા વિજય માલ્યા તરીકે ચમકી રહ્યો છે.આ ફિલ્મને સેન્સરના સર્ટિફિકેટ માટે રજૂ કરવામાં આવી ત્યારે કોઇ અકળ કારણસર સેન્સર બોર્ડે દોઢ મહિના સુધી ફિલ્મ જોઇ જ નહીં. ફિલ્મની રિલિઝ ડેટ જાહેર થઇ ચૂકી હોવાથી પહલાજ ઊંચાનીચા થવા લાગ્યા અને મિડિયા સમક્ષ રાવ કરવા લાગ્યા કે ઇરાદાપૂર્વક મારી ફિલ્મને અટકાવવામાં આવી છે. ગોવિંદાએે પણ મિડિયાને કહ્યું કે મારી ફિલ્મ રજૂ ન થાય એ માટે કેટલાક લોકો કાવતરાં ઘડી રહ્યાં હતા.સેન્સર બોર્ડે વીસ કટ્સ સૂચવ્યા ત્યારે પહલાજ વધુ અકળાયા હતા અને એમણે સેન્સર બોર્ડની એપેલેટ કાઉન્સિલ સમક્ષ ફરિયાદ કરી હતી કે વીસ કટ્સ સૂચવવા પડે એવું ફિલ્મમાં કશું નથી. એપેલેટ કાઉન્સિલે ફિલ્મ જોઇ હતી અને માત્ર ત્રણ કટ્સ સૂચવીને ફિલ્મ રજૂ કરવા માટે યુ/એ સેન્સર સર્ટિફિકેટ આપ્યું હતું. હવે આ ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે. ૨૦૧૯ના જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ફિલ્મ રજૂ થશે. યોગાનુયોગે વિજય માલ્યાને પણ બ્રિટીશ સરકાર ભારત પાછા મોકલવાની તૈયારીમાં છે. બ્રિટિ કોર્ટમાં માલ્યા કેસ હારી ગયા હતા. જો કે અપીલ કરવાનો સમય એમને આપવામાં આવ્યો હતો.

(3:44 pm IST)