Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મારા કેરિયરનો આ સૌથી સારો સમય છે: અક્ષય કુમાર

મુંબઈ: અક્ષયકુમાર તેની કરીઅરના આ સમયને ખૂબ જ ઉત્તમ માને છે. તે એક વર્ષમાં ઘણી ફિલ્મો કરવા માટે જાણીતો છે. એક સમય હતો જ્યારે તેની ફક્ત ઍક્શન ફિલ્મો જ આવતી હતી. જોકે આજે તે ઍક્શન, કૉમેડી, દેશભક્તિ અને સોશ્યલ ઇશ્યુ જેવા ઘણા વિષયો પર ફિલ્મો કરી રહ્યો હોવાથી આ સમય તેની કરીઅરનો બેસ્ટ હોવાનું તે માને છે. આ વિશે વધુ જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે મારી કરીઅરનો આ ખૂબ જ સારો સમય છે. મને હંમેશાં એક જ ઇમેજમાં બંધાઈ જવાનો ડર રહેતો હતો. હું જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને ઍક્શન હીરોનો ટૅગ લાગી ગયો હતો. એ સમયે કોઈ મને રોમૅન્ટિક અથવો તો કૉમેડી ફિલ્મો ઑફર કરતું નહોતું. મારી પાસે ફક્ત ઍક્શન ફિલ્મોની જ ઑફર આવતી હતી. મેં ૧૪ વર્ષ સતત ઍક્શન ફિલ્મો જ કરી હતી અને એમાં મારી કરીઅર પર કોઈ જ અસર નહોતી થઈ. આથી હું કહીં શકું છું કે મારી કરીઅરનો આ શ્રેષ્ઠ સમય છે જેમાં ઍક્શન ફિલ્મ તરીકે હું ‘કેસરી’, કૉમેડી ફિલ્મ તરીકે ‘હાઉસફુલ ૪’ અને સોશ્યલ ઇશ્યુવાળી એમ ઘણી ફિલ્મો કરી શકું છું.’
ઍક્શન હીરોની ઇમેજમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ હોવા વિશે જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારી ઇમેજને તોડીને એમાંથી બહાર આવવું એ સમયગાળો મારા માટે ખૂબ અઘરો હતો. હું પોતાને લકી માનું છું કે હું એ ઇમેજમાંથી બહાર આવી શક્યો. હું ડેવિડ ધવનનો ‘મિસ્ટર ઍન્ડ મિસિસ ખિલાડી’ અને રાજકુમાર સંતોષીનો ‘ખાખી’ માટે આભાર માનું છું. આ બે ફિલ્મો બાદ મારી કરીઅરમાં બદલાવ આવવાનું શરૂ થઈ ગયું હતું.’

(6:10 pm IST)