Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પાગલપંતી ગુજરાતની ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝ માટે માર્ગદર્શક છે

કોમેડી પાગલપંતી ફિલ્મ પહેલી જૂને રજૂ કરાશેઃ એકસાથે બોલિવુડનાં ૨૦થી વધારે કલાકારોએ અભિનય આપ્યો : દેશભકિતનો સંદેશો આપવાનો ફિલ્મમાં પ્રયાસ

અમદાવાદ, તા.૧૬, ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર, રાઇટર અને પ્રોડ્યુસર જેકી પટેલની બિગ બજેટ ગુજરાતી ફિલ્મ પાગલપંતીના શુટિંગ અને પોસ્ટ પ્રોડક્શન કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને હવે ફિલ્મ તા.૧લી જૂને થિયેટરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મના પોસ્ટર અને મ્યુઝીક લોન્ચીંગ પ્રસંગે આજે અમદાવાદમાં ફિલ્મની સ્ટારકાસ્ટ જાણીતા અભિનેતા અલી અસગર, હિન્દી અને ગુજરાતી ફિલ્મ તથા કોમર્શીયલમાં પ્રસંશનીય અભિનય કરનાર ફોરમ મહેતા સહિતના દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે ફિલ્મના શુટિંગ અંગે પોતાના અનુભવો વર્ણવ્યાં હતાં. ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે ભૂમિકા અદા કરનાર ગુજરાતી ફોરમ મહેતાએ જણાવ્યું હતું કે, "પાગલપંતી ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે માર્ગદર્શક બની રહેશે. હાલમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પ્રગતિના પંથે છે તથા નવી સ્ટોરી અને કોન્સેપ્ટ સાથે ફિલ્મો બની રહી છે તેવા સંજોગોમાં ફિલ્મોની ગુણવત્તાને નવા સ્તરે લઇ જવામાં પાગલપંતી બહુ મહત્વનું યોગદાન આપશે. ગુજરાતીઓને ગર્વ લેવા જેવી કહી શકાય એવી એક ખાસ વાત આ ફિલ્મની એ છે કે, આ ફિલ્મમાં એકસાથે બોલીવુડનાં ૨૦થી વધુ કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧ જૂન ૨૦૧૮ રોજ ગુજરાતના તમામ સિનેમાઘરોમાં રિલિઝ થનારી ફિલ્મ પાગલપંતી સમગ્ર પરિવાર સાથે જોઇ શકાય તેવી એક રોમેન્ટિક, કોમેડી ડ્રામા ફિલ્મ છે અને મોટાભાગની ફિલ્મનું શુટિંગ ન્યુઝીલેન્ડ પાસેના ફિઝિ આઇલેન્ડ ઉપર થયું છે. ફિલ્મની વાર્તા કોહીનુર હિરાની આસપાસ ફરે છે કે જેને પામવા માટે આઇલેન્ડ ઉપરના તમામ લોકો પેંતરા કરે છે અને તેનાથી સર્જાતી કોમેડીથી દર્શકો પેટ પકડીને  હસવા મજબૂર બનશે. આ સાથે ફિલ્મમાં દેશભક્તિનો પણ સંદેશો આપવાનો પ્રયાસ કરાશે. ફિલ્મના ડિરેક્ટર જેકી પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતી ફિલ્મ જગતની વાત કરીએ તો આ પ્રથમ ફિલ્મ છે કે જેનું ૮૦ ટકાથી વધુ શુટિંગ વિદેશમાં થયું હોય. આ મલ્ટીસ્ટારર ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે સીમાચિહ્ન બની રહેશે તેવો મને વિશ્વાસ છે."

તેમણે ઉમેર્યું હતું કે, "ફિલ્મના નિર્માણ કામગીરીમાં પણ અમદાવાદના આર્ટિસ્ટનું યોગદાન સૌથી વધુ છે, જે ગુજરાત અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ બંન્ને માટે ગર્વની બાબત છે. ફિલ્મમાં વિશાલ-શેખર, અરમાન મલીક સહિતના દિગ્ગજોએ સંગીત અને સૂર આપ્યાં છે, જે અમારા માટે પ્રોત્સાહક બાબત છે." ફિલ્મની સિનેમેટોગ્રાફી રાજુ બાદિગર,કેમેરામેન અને ડીઓપી અતુલ તિવારી, પ્રોડક્શન હાઉસ લાઇવ ફોરએવર પ્રોડક્શન્સ, કો-પ્રોડ્યુસર જેઆરકે ફિલ્મસ તથા ખુંત પ્રોડક્શન છે. મહત્વપૂર્ણ છે કે શુટિંગમાં અદ્યતન કેમેરા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(9:38 pm IST)