Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

આજથી 'અય્યારી' અને 'દિલ જંગલી' રિલીઝ

આજથી બે ફિલ્મો 'અય્યારી' અને 'દિલ જંગલી' રિલીઝ થઇ છે.

રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, પ્લાન સી સ્ટુડિયો, ફ્રાઇડે ફિલ્મવકર્સ અને જયંતિલાલ ગડા બેનર તથા નિર્માતા શિતલ ભાટીયા, ધવલ જયંતિલાલ ગડા, અક્ષય જયંતિલાલ ગડા, મોશન પિકચર્સ કેપિટલ અને નિર્દેશક નિરજ પાંડેની ફિલ્મ 'અય્યારી' આજથી રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં સંગીત રોચક કોહલી, અંકિત તિવારીનું છે. 

ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા, મનોજ બાજપેયી, પૂજા ચોપડા, રકૂલ પ્રિત સિંહ, નસિરૂદ્દીન શાહ, આદિલ હુશેન, વિક્રમ ગોખલે અને કુમુદ મિશ્રાએ અભિનય આપ્યો છે.

કર્નલ અભયસિંહ (મનોજ બાજપેયી) અને જય બક્ષી (સિધ્ધાર્થ મલ્હોત્રા) વચ્ચે એક વાત પર વિવાદ થઇ જાય છે. કર્નલ સિંહને દેશની સિસ્ટમ પર સંપુર્ણ વિશ્વાસ છે. પણ જય જે જૂએ છે અને સાંભળે છે એ પછી તે હલબલી જાય છે. જ્યારે મેજર બક્ષી ગૂમ થઇ જાય છે ત્યારે કર્નલ અભય સિંહ તેને શોધવા કામે લાગે છે. તે એ વાતથી અજાણ છે કે મેજર બક્ષી પાસે એવુ રહસ્ય છે જેના થકી તે સરકારને હચમચાવી શકે છે. આ ફિલ્મ ગયા શુક્રવારે જ રિલીઝ થઇ જવાની હતી. પણ પેડમેન સાથે ટક્કર ટાળવા આ ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલી દેવામાં આવી હતી.

બીજી ફિલ્મ 'દિલ જંગલી'ના નિર્માતા દિનેશ જૈન, વાસુ ભગનાની, દિપશિખા દેશમુખ, જૈકી ભગનાની, મુદિત જૈન, મયંક જૈન અને નિર્દેશક આલિયા સેન છે. ફિલ્મમાં સંગીત કોમલ શયનનું છે. તાપસી પન્નુ, સાકિબ સલિમ, અભિલાષ થાપલિયાલ, નિધિ સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને જૈકી ભગનાનીએ ભૂમિકા નિભાવી છે.

કોરોલી (તાપસી પન્નૂ) માતા-પિતાની એકની એક દિકરી છે. તેના પિતા લંડનમાં ખુબ મોટો વ્યવસાય ધરાવે છે. તે નથી ઇચ્છતી કે પોતે પિતાનો વ્યવસાય આગળ વધારે, પછી કોઇ છોકરા સાથે લગ્ન કરે અને બાળકોની મા બને. કારોલી ખુશીની શોધમાં લંડનથી દિલ્હી આવતી રહે છે. દિલ્હી સ્થિત બ્રિટીશ કાઉન્સીલમાં તે અંગ્રેજી ભણાવવાનું કામ કરવા માંડે છે. આ કામથી તે ખુશ અને સંતુષ્ટ છે. સુમિત (સાકિબ) લાજપત નગરનો ટિપીકલ છોકરો છે. તે મોટા-મોટા સપના જૂએ છે. બોલીવૂડ એકટર બનવા તે સપના જોતો હોય છે. તે એક જીમ ટ્રેનર છે અને હમેંશા ફિટ રહેવા મહેનત કરતો રહે છે.

સુમિત અંગ્રેજી શીખવા કારોલીના વર્ગમાં આવે છે. અહિ બંનેની મુલાકાત શિક્ષક-છાત્ર તરીકે થાય છે. પછી એક નાઇટ કલબમાં બંને દોસ્ત બની જાય છે. કહાની દોસ્તી અને પ્રેમની આસપાસ ઘુમતી રહે છે. આ સંબંધમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે તેને મોજમસ્તી સાથે ફિલ્મમાં દેખાડાયો છે.

(10:07 am IST)