Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અભિનેત્રીને આત્મહત્યા માટે પ્રેરવા બદલ પતિની ધરપકડ

ઈન્ટિમેટ સિન્સ માટે પતિએ ઠપકો આપ્યો હતો : હોટલથી મૃત હાલતમાંથી મળી આવેલી સ્ટાર વીજે ચિત્રાની આત્મહત્યા કેસમાં તપાસ બાદ પતિ હમેનાથની ધરપકડ

ચેન્નાઈ, તા. ૧૫ :દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી વીજે ચિત્રા એક હોટલ રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં તેના મોત પાછળનું કારણ આત્મહત્યા બતાવવામાં આવી, પરંતુ હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. લગભગ છ દિવસની તપાસ બાદ ચિત્રાના પતિ હમેનાથની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, ચિત્રાના પતિએ ટીવી સીરિયલ અને અન્ય શોઝમાં ઇન્ટીમેટ સીન્સ કરવા બદલ ઠપકો આપ્યો હતો.

હેમનાથની કેટલાંક દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. ચિત્રાના મિત્રો તથા સાથી કલાકારોની પણ પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપમાં હેમનાથની ધરપકડ કરી છે. ચિત્રાની માતાએ હાલમાં જ આરોપ મૂક્યો હતો કે, તેમની દીકરીના મોત માટે તેનો પતિ જવાબદાર છે.

ચિત્રા ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ પૂર્ણ કરીને ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં અઢી વાગે પરત આવી હતી. તે અહીંયા હેમંત સાથે રહેતી હતી. હેમંતે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, તેણે દાવો કર્યો હતો કે ચિત્રા શૂટિંગ પૂર્ણ કરીને હોટલમાં આવી હતી. ચિત્રાએ તેને કહ્યું હતું કે તે નાહીને રૂમમાં આવે છે. જોકે, તે લાંબા સમય સુધી રૂમમાં ના આવતા હેમંતે હોટલના સ્ટાફને બોલાવ્યા હતા. હોટલના રૂમનો દરવાજો ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યો હતો. રૂમની અંદર પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ચિત્રાએ સાડીથી ગળેફાંસો ખાધો હતો. ચિત્રાના ચહેરા તથા ગળા પર લોહીના નિશાન મળી આવ્યા હતા.

ચિત્રા ટીવી સિરિયલ પાંડિયન સ્ટોર્સને કારણે લોકપ્રિય થઈ હતી. આ સિરિયલમાં તે મુલઈનો રોલ પ્લે કરતી હતી. ચિત્રાએ પોતાની કરિયરની શરૂઆત ખાનગી ચેનલમાં પ્રેઝન્ટર તરીકે કરી હતી. ત્યારબાદ તે ટીવી એક્ટ્રેસ બની હતી. ચિત્રાએ તાજેતરમાં જ તમિળ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મમાં તેનો મહત્ત્વનો રોલ હતો.

(8:26 pm IST)