Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ત્રણ ફિલ્મો 'મરજાવાં', 'મોતીચૂર ચકનાચૂર' અને 'મરને ભી દો યારો' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'મરજાવાં', 'મોતીચૂર ચકનાચૂર' અને 'મરને ભી દો યારો' રિલીઝ થઇ છે.

નિર્માતા ભુષણ કુમાર, કિશન કુમાર, દિવ્યા ખોસલા કુમાર, મોહિશા અડવાણી, મધુ ભોજવાણી, નિખીલ અડવાણી અને નિર્દેશક મિલાપ ઝવેરીની ફિલ્મ 'મરજાવાં'ના ટ્રેલરે ખુબ ઉત્સુકતા જગાવી હતી. આજથી આ ફિલ્મ રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત તનિષ્ક બાગચી, મિત બ્રધર્સ, પાયલ દેવનું છે. કહાની મિલાપે લખી છે. ૧૩૫ મિનિટની આ ફિલ્મ અગાઉ આઠમી નવેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ એ પછી તારીખ ફરતી ગઇ હતી. ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ, તારા સુતારીયા, રકુલપ્રિત સિંહ, નસ્સાર, શાદ રંધાવા, રવિ કિશન, વરિન્દરસિંઘ ઘુમન, ગોદન કુમાર મહત્વની ભુમિકામાં છે. જ્યારે નોરા ફતેહી ઇક તો કમ જિંદગાની...પ્યાર દો પ્યાર લો...નામના રિમિકસ સોંગમાં જોવા મળશે. ફિલ્મમાં તારા બોલી નહિ શકતી એવી ઝોયા નામની યુવતિના રોલમાં છે. રોમાન્ટીક એકશન જોનરની આ ફિલ્મના ટ્રેલરમાં રિતેશ અને સિધ્ધાર્થ બંને અલગ જ લૂકમાં દેખાયા છે.

બીજી ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'ના નિર્માતા રાજેશ ભાટીયા, કિરણ ભાટીયા, વાયાકોમ ૧૮ મોશન અને નિર્દેશક દેબમિત્રા બિશ્વાસ છે. ફિલ્મમાં સંગીત ભરત-હિતાર્થ, રામજી ગુલાટી, અર્જુન હરજાઇ, અમજદ નદીમ આમીર, સિધ્ધાર્થ અમિત ભાવસારનું છે. ફિલ્મમાં નવાજુદ્દિન સિદ્દીકી, અથિયા શેટ્ટી, વિભા છીબ્બર, નવની પરિહાર, વિવેક મિશ્રાની મુખ્ય ભુમિકા છે. આ ઉપરાંત કરૂણા પાંડે, અભિષેક રાવત, સપના સંદ, ઉષા નાગર પણ છે. ફિલ્મમાં નવાજુદ્દિન અને સની લિયોન પર ફિલ્માવાયેલુ એક આઇટમ સોંગ બત્તીયા બુજાઓ પણ છે. કોમેડી ડ્રામા જોનરની આ ફિલ્મમાં અથિયા એવી છોકરીના રોલમાં છે જે એનઆરઆઇ સાથે લગ્ન કરવા ઇચ્છતી હોય છે. નવાજુદ્દિન એનઆરઆઇ યુવાનની ખોટી ઓળખ ઉભી કરી લગ્ન કરવા તૈયારી કરી લે છેે. એ પછી શું થાય છે તે કોમેડી દ્વારા દર્શાવાયુ છે.

ત્રીજી ફિલ્મ 'મરને ભી દો યારો'ના નિર્માતા ક્રિષ્ના અભિષેક છે. ફિલ્મમાં કાશ્મીરા શાહ, ક્રિષ્ના અભિષેક, કિશ્વર મર્ચન્ટ, રાજેશ પુરી, રિષભ ચોૈહાણ સહિતની મુખ્ય ભુમિકા છે. કોમેડી પ્રકારની આ ફિલ્મમાં એક એવા યુવાનની વાત છે જે આપઘાતના અનેક પ્રયાસોમાં નિષ્ફળ નિવડ્યો હોય છે. એ પછી તેને એક એવો વ્યકિત મળે છે જે તેને પૈસા કમાવવામાં મદદ કરે છે. ક્રિષ્ના હાલમાં કપિલ શર્માના શોમાં કામ કરી રહ્યો છે.

(10:19 am IST)