Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રિલીઝ પહેલા વધુ એક કેસ નોંધાયો ફિલ્મ સિમ્બા સામે

મુંબઈ: ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહર અને ૧૦૦ કરોડની ક્લબના સ્થાપક મોખરાના ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બા સામે વધુ એક કાનૂની કેસ ઊભો થવાની શક્યતા સર્જાઇ હોવાની માહિતી મળી હતી.સિમ્બા બ્રાન્ડનો બીઅર બનાવતી કંપનીએ રોહિત અને કરણને ટ્રેડ માર્કના ભંગની નોટિસ મોકલી હતી. સિમ્બા બીઅર બ્રાન્ડના પ્રભતેજ સિંઘ ભાટિયાએ કહ્યંું કે બ્રાન્ડ વિકસાવવા અમે વર્ષો લગી પરસેવો પાડયો છે અને દિવસ રાત મહેનત કરી છે. સિમ્બા નામ અમારી કંપનીના નામે રજિસ્ટર્ડ છે અને અમારો ટ્રેડ માર્ક છે. અમારી પરવાનગી વિના કોઇ નામ વાપરી શકે નહીં. હું પણ બોલિવૂડની ફિલ્મોનો ચાહક છું. કરણ જોહર અને રોહિત શેટ્ટી માટે મને માન છે પરંતુ મારી બ્રાન્ડનું રક્ષણ કરવાની પણ મારી જવાબદારી છે. એમાંથી હું છટકી શકું નહીં. મેં કરણ જોહર અને રોહિત શેટ્ટી બંનેને નોટિસ મોકલી છે સમાચાર સાચા છે.રોહિત શેટ્ટી રણવીર સિંઘ અને સારા અલી ખાનને લઇને કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં રણવીર સિંઘ એક મરાઠીભાષી ધૂની પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યો છે.ભાટિયાએ કહ્યું કે કાનૂની નોટિસ અમે સૌથી છેલ્લે મોકલી હતી. અમે છેક મે મહિનાથી વારંવાર લોકોને વિનંતી કરી હતી પરંતુ લોકોએ અમારી વિનંતીને ધ્યાનમાં લીધી નહોતી અને અમારી નમ્રતાને લોકો નબળાઇ સમજી ગયા હતા. આખરે અમે નછૂટકે કોર્ટનો આશરો લીધો હતો. અમે ઇચ્છીએ છીએ કે લોકો ફિલ્મનું ટાઇટલ બદલે અથવા કોર્ટમાં અમારો સામનો કરે. અમને દેશના ન્યાયતંત્ર પર પૂરેા વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.જસ્ટિસ પ્રતિભા સિંઘે કરણ જોહર અને રોહિત શેટ્ટીને ચોથી ડિસેંબરની સુનાવણીમાં પોતાનો જવાબ રજૂ કરવાની તાકીદ કરી હતી.

(3:02 pm IST)