Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ભાઈને કમિટમેન્ટ પૂરા કિયા : એન્ટરટેઇનમેન્ટ નહીં દિયા

સ્ક્રીનપ્લે, પર્ફોર્મન્સ, એકશન અને વિઝયુઅલ ઇફેકટ્સ દરેક ડિપાર્ટમેન્ટમાં માર ખાઈ ગઈ હોવાથી આ ફિલ્મને 'રેસ ૩ :રીલોડેડ'કહેવું ખોટું નથી

મુંબઇ,તા. ૧૫ : સલમાન ખાનની ફિલ્મ 'રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'ને થિએટર્સની સાથે 'પે-પર-વ્યુ'દ્વારા ગઈ કાલે  રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ગયા વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે એને લંબાવવામાં આવી હતી. જોકે જાન્યુઆરી દરમ્યાન થોડી પરિસ્થિતિ સુધરતાં ફિલ્મને આ વર્ષે ઈદ પર રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ફરી કોરોનાએ ઊથલો મારતાં મોટા ભાગનાં થિયેટર્સ બંધ છે, પરંતુ સલમાને કમિટમેન્ટ કર્યું હોવાથી ફિલ્મને 'પે-પર-વ્યુ'દ્વારા રિલીઝ કરવામાં આવી છે.

(સ્ટોરી છે ખરી?) ખૂબ જ સામાન્ય અને પ્રિડિકટેબલ પ્લોટ છે. રાધે (સલમાન ખાન) પોલીસ ઓફિસર હોય છે. મુંબઈમાં ડ્રગ્સનું વેચાણ ખૂબ જ વધી ગયું છે અને એનું સાફસફાઈ અભિયાન કરવા માટે તેને બોલાવવામાં આવે છે. ૧૦ વર્ષમાં ૯૭ એન્કાઉન્ટર અને ૨૩ ટ્રાન્સફર કરાવી ચૂકેલો રાધે ફિલ્મની શરૂઆતમાં સસ્પેન્ડ હોય છે. તેને મિશન માટે બોલાવવામાં આવે છે. તે મિશન શરૂ કરે ત્યાં તેને દિયા (દિશા પાટણી) મળે છે જેનો ભાઈ (જેકી શ્રોફ) પણ પોલીસ હોય છે. એક તરફ સલમાનની લવ સ્ટોરી ચાલે છે તો બીજી તરફ તે ડ્રગ્સની તપાસ પણ કરતો હોય છે. (ઘિસીપિટી સ્ટોરી બરાબરને?)

ફિલ્મને ૨૦૧૭માં આવેલી કોરિયન ફિલ્મ 'ધ આઉટલોઝ'પરથી બનાવવામાં આવી છે. જોકે સ્ટોરીને જોઈને લાગતું નથી કે કોરિયન ફિલ્મ પરથી પ્રેરિત હોય. આવી ઢગલો ફિલ્મ ઇન્ડિયામાં બની ચૂકી છે. 'ધ આઉટલોઝ'પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હોય તો એ. સી. મિગુલ અને વિજય મૌર્યએ સ્ક્રિપ્ટની બેન્ડ બજાવી મૂકી છે. તેમણે ફકત સ્ક્રીનપ્લેને મુંબઈને બંધબેસતો બનાવવાની જરૂર હતી. એની જગ્યાએ ભાઈને સુપરહીરો બનાવી દીધો. પ્રભુ દેવાએ ફિલ્મમાં તમામ મસાલો ભરી દીધો છે, પરંતુ લોકોની આશા પર ઊતરવામાં નિષ્ફળ રહ્યો છે. સ્ટાઇલિશ એન્ટ્રી, સ્લો મોશન અને સલમાનનું બ્રેસલેટ દેખાડવામાં તે આજની જનરેશનને પસંદ આવે એવી ફિલ્મ બનાવવાનું ચૂકી ગયો છે અને ૨૦૦૯માં આવેલી 'વોન્ટેડ'ને જ નવી ડિશમાં પીરસી હોય એવું લાગે છે. 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૯'ના ડિરેકટર જસ્ટિન લીએ કહ્યું હતું કે કમ્પ્યુટર ગ્રાફિકસનો ઉપયોગ કરીને જેટલી ગાડી ઉડાડવી હોય એટલી ઉડાડી શકાય છે, પરંતુ ગમે તે કરો, એ રિયલ નથી લાગતું. આથી એના પરથી પ્રભુ દેવા સહિત બોલીવુડના ઘણા ડિરકેટર્સે શીખ લેવી જોઈએ. સલમાનનાં દ્યણાં એકશન દૃશ્ય ખૂબ જ ફાલતુ છે.

રાધે હંમેશાં સ્ટાઇલ મારતો જોવા મળે છે અને તે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ હોય છે. જોકે તેને ફિલ્મમાં માંડ એક-બે એન્કાઉન્ટર કરતો દેખાડવામાં આવ્યો છે. સલમાન કંઈ પણ કરે તો તેના ફેન્સને એ પસંદ પડે છે. જોક એ દિવસો ગયા હવે. સલમાન હજી પણ પહેલાં જેવો જ છે. તેની ફિલ્મો પણ એકસરખી જ છે. દિશા પાટણીને જે કામ આપ્યું છે એ પણ તે બરાબર નથી કરી શકી હિરોઇનની હાજરી પુરાવવા માટે તેને લેવામાં આવી હતી અને બસ ગ્લેમરની હાજરી પૂરવાનું તેણે કામ કર્યું છે. જેકી શ્રોફને એકદમ વેડફવામાં આવ્યો છે. તેનું એક પણ દૃશ્ય એવું નથી કે એમાં જેકી શ્રોફની ઝલક દેખાય. રણદીપ હુડાએ રાણાના પાત્રને જોરદાર

ભજવ્યું છે. ફિલ્મમાં એટલી ખામીઓ છે છતાં એમાં તેનું કામ દેખાઈ આવે છો. જોકે તેના પાત્રને પણ સારી રીતે લખવામાં નથી આવ્યું. ફિલ્મને ખૂબ જ સારી બનાવી શકાઈ હોત. આ ફિલ્મ દ્વારા સિંગર અર્જુન કાનુંગોએ પણ બોલીવુડમાં ડેબ્યુ કર્યો છે.

સલમાનની એન્ટ્રી પડે છે ત્યાર બાદ એક એકશન દૃશ્ય આવે છે. તે બિલ્ડિંગના કેટલાક ફ્લોર ઉપર બારીમાંથી કૂદીને આવે છે અને સુપરમેન અથવા તો ફ્લેશની જેમ સ્પીડમાં જતો રહે છે અને કોઈની નજરમાં પણ નથી આવતો. ખરેખર? આટલું ઓછું નથી. ત્યાર બાદ તે વિલનને તેણે કેવી રીતે એન્ટ્રી કરી હતી અને કેવી રીતે તેના માણસોને માર્યા એ ફ્લેશબેક દેખાડે છે. ડોકટર સ્ટ્રેન્જનું ભૂત તેનામાં આવ્યું હોય એવું લાગે છે. ઘણાં દૃશ્યો અને પ્લોટ અક્ષયકુમારની 'હોલિડે'પરથી લેવામાં આવ્યા હોય એવું લાગે છે. આ બધું જવા દઈએ તો પણ કલાઇમેકસમાં સલમાન ખાન 'વન્ડર વુમન'બની જાય છે. 'વન્ડર વુમન'પર જયારે કોઈ હુમલો કરે ત્યારે તે તેના ફોરઆર્મને વચ્ચે લાવી દેતી હોય છે. સલમાન પણ એન્ડમાં રણદીપ હુડા તેને જયારે લોખંડની પાઇપથી મારે છે ત્યારે વચ્ચે ફોરઆર્મ લાવી દે છે. અને મા કસમ તેને કંઈ નથી થતું. આ સાથે ભાઈ તો સુપરહીરો છે. હેલિકોપ્ટર ક્રેશમાં પણ તેને કોઈ ઈજા નથી થતી. ડ્રગ્સનો ઓવરડોઝ આપવામાં આવે તો પણ તેને કંઈ નથી થતું. એક બારના વોશરૂમમાં જે ફાઇટ દેખાડવામાં આવી છે એમાં એ પણ થોડી હમ્બગ લાગે છે. રાણા એકદમ રૂથલેસ હોય છે, પરંતુ તે જયારે રાધે સાથે ફાઇટ કરે છે ત્યારે તે એટલો રુથલેસ નથી હોતો. સલમાનભાઈની ઇમેજને કારણે તેને મારવામાં નથી આવતો કે કેમ એ તો રામ જાણે.

સિટી માર સિવાય આ ફિલ્મમાં એક પણ ગીતમાં એટલો દમ નથી. તેમ જ આ ગીતને ખૂબ જ ખોટા ટાઇમ પર રજૂ કરવામાં આવે છે. આ સિવાય જેટલાં પણ ગીતો છે એ બોલીવુડની ફિલ્મમાં ગીતો હોવાં જોઈએ એ માટે રાખવામાં આવ્યાં હોય એવું લાગે છે. સ્ટોરી સાથે એને કોઈ લેવાદેવા નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ... છોડો હવે જવા દો.

સલમાન ખાને ઈદ પર તેની ફિલ્મ રિલીઝ કરવાનું કમિટમેન્ટ તો આપ્યું હતું જે તેણે પૂરું કર્યું છે. જોકે તે એન્ટરટેઇનમેન્ટ આપવાનું ચૂકી ગયો છે. આ ફિલ્મ  'રેસ ૩:રીલોડેડ'હોય એવું લાગે છે. (મીડ ડે સાભાર)

(10:26 am IST)