Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

'તારક મહેતા...'નાં કલાકારોનું મહેનતાણુ વધ્યુ કલાકારોને માસિક ઓછામાં ઓછા દોઢ લાખ આપવા નિર્ણય

જેઠાલાલને ૧ એપીસોડના દોઢ લાખ તો મહેતા સાહેબને ૧ લાખ મળે છે

મુંબઇ, તા.૧પઃ કોમેડી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ૧૦ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. છેલ્લા ઘણા ટાઈમથી શોની લીડ એકટ્રેસ દિશા વાકાણી શોમાં પરત ફરવાની છે કે નહીં તે અંગે જાતજાતની અટકળો લગાવાઈ રહી છે. એવામાં શોને લઈને એક મોટી ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ શોના કલાકારોની ફી વધારી દેવામાં આવી છે. એટલું જ નહીં એકટર્સને શોની સાથે બીજા પ્રોજેકટ હાથમાં લેવાની પણ પરવાનગી આપવામાં આવી છે. અગાઉના કોન્ટ્રાકટ મુજબ એકટર્સ પહેલા બીજો શો કે પ્રોજેકટ નહોતા કરી શકતાં હવે તેની આઝાદી મળી છે.

રિપોર્ટ મુજબ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલના તમામ કલાકારોની ફી વધારવામાં આવી છે. મેકર્સે એકટર્સને માસિક ઓછામાં ઓછા ૧.૫ લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. એકટર્સની ફી એ વાત પર આધાર રાખશે કે તેમણે કેટલા દિવસ શૂટિંગ કર્યું. પ્રતિ એપિસોડના આધારે ફી આપવામાં આવશે. શોમાં જેઠાલાલનો રોલ કરતાં એકટર દિલીપ જોષીને સૌથી વધુ ફી મળે છે. તેમની ફી લગભગ ૧.૫ લાખ રૂપિયા પ્રતિ એપિસોડ છે. શોમાંથી ગાયબ એકટ્રેસ દિશા વાકાણીને પણ અત્યાર સુધી સૌથી વધુ ફી મળતી હતી. દિશા શોમાં હતી ત્યારે તેને પ્રતિ અઠવાડિયે ૧.૨ લાખ રૂપિયા ફી મળતી હતી.

ટપ્પુ સેના એટલે કે ચાઈલ્ડ એકટર્સને પ્રતિ એપિસોડ લગભગ ૨૦ હજાર રૂપિયા ફી આપવામાં આવે છે. શોમાં ટપ્પુનો રોલ કરતાં રાજ અનડકતને સૌથી ઓછી ફી ૧૦-૧૫ હજાર રૂપિયા મળે છે. જો કે, રાજ આ શો સાથે બે વર્ષ પહેલા જ જોડાયો છે.

તારક મહેતાનું પાત્ર ભજવતા એકટર શૈલેષ લોઢાને ૧ લાખ રૂપિયા પ્રતિ એપિસોડ આપવામાં આવે છે. ભીડેના પાત્રમાં દેખાતા મંદાર ચંદાવરકરને પ્રતિ એપિસોડ ૮૦ હજાર રૂપિયા, ડાઙ્ખ. હાથી એટલે કે નિર્મલ સોનીને પ્રતિ એપિસોડ ૨૦-૨૫ હજાર રૂપિયા, અબ્દુલનું પાત્ર ભજવતા શરદ શાંકલાને પ્રતિ એપિસોડ ૩૫-૪૦ હજાર રૂપિયા, ચંપક ચાચા બનતા અમિત ભટ્ટને એપિસોડ દીઠ ૭૦-૮૦ હજાર રૂપિયા, વૈજ્ઞાનિક ઐયરનું પાત્ર ભજવતા તનુજ મહાશબ્દેને ૬૫-૮૦ હજાર રૂપિયા એપિસોડ દીઠ અને રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતા એકટર ગુરુચરણ સિંહને ૬૫-૮૦ હજાર રૂપિયા પ્રતિ એપિસોડ મળે છે.(૨૩.૨૦)

(3:55 pm IST)