Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અભિનેત્રી શ્રીદેવીનો આજે જન્‍મદિવસઃ સિંગાપોરના મેડમ તુસાદ મ્‍યુઝિયમમાં પ૬મા જન્‍મદિને મીણના પુતળાને લોન્ચ કરાયુ

સિંગાપોરઃ આજે શ્રીદેવીનો જન્મદિવસ છે. દિવંગત અભિનેત્રીને તેમના પરિજનો, પ્રશંસકો અને બોલિવૂડની સેલિબ્રિટીઝે યાદ કરી છે તો સિંગાપોરના મેડલ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીને વિશેષ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. સિંગાપોરમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીના 56મા જન્મદિવસે તેના મીણના પુતળાને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અભિનેત્રીની યાદમાં મેડમ તુસાદ દ્વારા મીણનું પુતળું બનાવાયું છે.

શ્રીદેવીનું મીણનું પુતળું બનાવવા માટે 20 એક્સપર્ટ્સની ટીમે 5 મહિના સુધી કામ કર્યું છે. તેમણે શ્રીદેવીના પરિવાર સાથે મળીને તેના પોઝ, એક્સપ્રેશન, મેકઅપ અને આઈકોનિક આઉટફિટને રીક્રિએટ કરવા માટે સખત મહેનત કરી હતી. શ્રીદેવીનો તાજ, કફ્સ, ઈયરિંગ્સ અને ડ્રેસમાં રહેલી 3D પ્રિન્ટને અનેક ટેસ્ટ પછી તૈયાર કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રીદેવીનો આઈકોનિક લૂક તેની સુપરહિટ ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'માં ગાયેલા ગીત 'હવા હવાઈ..'ના લૂકપર તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રેસઅપ, ક્રાઉન, મેકઅપ અને હેર સ્ટાઈલ 'હવા હવાઈ...' ગીતના જેવો બનાવાયો છે

મેડમ તુસાદ સિંગાપોર દ્વારા જાહેરાત કરાઈ છે કે, શ્રીદેવીના પતિ બોની કપૂર, તેની દીકરીઓ જ્હાન્વી અને ખુશી કપુરની હાજરીમાં આગામી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં શ્રીદેવીનું મીણનું પુતળું લોન્ચ કરવામાં આવશે.

મેડલ તુસાદ સિંગાપોરના જનરલ મેનેજર એલ્ક્સ વાર્ડે જણાવ્યું કે, "શ્રીદેવી ભારતીય સિનેમાની આઈકોન છે. તેના વગર મ્યુઝિયમનો ફિલ્મસ્ટાર એક્સપિરિયન્સ ઝોન અધુરો છે. અમને એ વાતનો આનંદ છે કે, મેડમ તુસાદમાં શ્રીદેવીની લીગસીને સ્થાન મળશે."

(5:11 pm IST)