Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બે ફિલ્મો 'મર્દાની-૨' અને 'મુદ્દા ૩૭૦ જે એન્ડ કે' રિલીઝ

આ વખતે ખૂંખાર રેપિસ્ટ-મર્ડરર સામે બાથ ભીડશે મહિલા ઓફિસર શિવાની શિવાજી રોય (રાની મુખર્જી): બીજી ફિલ્મમાં ૧૯૯૦ના જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો

આજથી બે ફિલ્મો મર્દાની-૨ અને મુદ્દા-૩૭૦ જે એન્ડ કે  રિલીઝ થઇ છે.

નિર્માતા આદિત્ય ચોપડા અને નિર્દેશક ગોપી પુથરનની ફિલ્મ 'મર્દાની-૨'નું લેખન ગોપીએ કર્યુ છે. જ્યારે સંગીત જોન સ્ટુઅર્ટનુ છે. ૧૦૩ મિનીટની લંબાઇ ધરાવતી આ ફિલ્મ એકશન થ્રિલર પ્રકારની છે. ૨૦૧૪માં મર્દાની આવી હતી. જેમાં રાની મુખર્જીએ પોલીસ ઓફિસરનો રોલ નિભાવ્યો હતો. કઇ રીતે તે બાળ તસ્કરીનું જબરૂ નેટવર્ક ભેદીને ગુનેગારોને ઉઘાડા પાડે છે તેની કહાની તેમાં હતી. હવે મર્દાનીની સિકવલ મર્દાની-૨ નામથી રિલીઝ થઇ છે. જેમાં રાની મુખર્જી ફરી એકવાર શિવાની શિવાજી રોય નામના પોલીસ ઓફિસરના રોલમાં દેખાશે. તેની સાથે વિશાલ જેઠવા, વિક્રમસિંહ ચોૈહાણ, શ્રુતિ બાપના, રાજેશ શર્મા અને દિપીકા અમીનની મુખ્ય ભુમિકા છે. આ ફિલ્મમાં આ વખતે શિવાની શિવાજી રોયનો સામનો એક સિરીયલ રેપીસ્ટ-મર્ડરર સાથે થવાનો છે. આ બળાત્કારી હત્યારાને પકડવા માટે શિવાનીને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે અને કઇ રીતે તે ગુનેગારોને સીધાદોર કરે છે તેની વાત આ ફિલ્મમાં છે. મહિલા પોલીસ ઓફિસરોની અમુક સત્ય કહાનીઓને આ ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. ટ્રેલરે દર્શકોમાં ખુબ ચાહના જગાવી છે. એકશન, થ્રિલર અને રહસ્યનો સંગમ આ ફિલ્મમાં નિહાળી શકાશે. રાની મુખર્જીના ચાહકો ફરીથી તેને ગૂંડાઓ સાથે જબરદસ્ત એકશન કરતી નિહાળી શકશે.

બીજી ફિલ્મ 'મુદ્દા ૩૭૦ જે એન્ડ કે'ના નિર્માતા અતુલ ક્રિષ્ના, ભંવરસિંઘ પુંડીર અને નિર્દેશક રાકેશ સાવંત છે. ફિલ્મમાં હિતેન તેજવાણી, અંજલી પાંડે, મનોજ જોષી, ઝરીના વહાબ, અંજન શ્રીવાસ્તવ, અનિતા રાજ, રાખી સાવંત, રાજ ઝુત્સી, શાહબાઝ ખાન, પંકજ ધીર, બ્રિજ ગોપાલ, સુજાતા મહેતા, મોહન કપૂર, અદિતા જૈન, તન્વી ટંડન, ભંવરસિંઘ પુંડીર, માસ્ટર અયાન સહિતે ભુમિકા નિભાવી છે. ફિલ્મમાં સંગીત સૈયદ અહેમદ, રાહુલ ભટ્ટ અને સાહિલ મુલ્તી ખાનનું છે. ફિલ્મની કહાની ૧૯૯૦ના સમયના જમ્મુ અને કાશ્મીર પર આધારીત છે, ત્યારે ત્યાં બધુ ભડકે બળ્યું હતું. અંદાજે સાત લાખ હિન્દુ કાશ્મીરીઓને તે વખતે કાશ્મીર છોડવા મજબૂર થવું પડ્યું હતું. તાજેતરમાં જ કલમ ૩૭૦ કાશ્મીરમાંથી હટાવી લેવામાં આવી છે. હિતેન તેજવાણી ટીવી પરદાનો જાણીતો કલાકાર છે. તેણે અનેક ટીવી શો કર્યા છે.  (૧૪.૨૧)

(10:15 am IST)