Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ત્રણ ફિલ્મો 'ડ્રીમ ગર્લ', 'સેકશન ૩૭૫' અને 'પહેલવાન' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો  'ડ્રીમ ગર્લ', 'સેકશન ૩૭૫' અને 'પહેલવાન' રિલીઝ થઇ છે.

નિર્માતા એકતા કપૂર, શોભા કપૂર, નચિકેત પંતવૈદ્ય અને નિર્દેશક રાજ શાંડિયાલની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' કોમેડી ડ્રામા જોનરની છે. જેના ડાયલોગ રાજ શાંડિયાલે લખ્યા છે. સ્ક્રીનપ્લે નિર્માણ સિંઘ અને રાજનું છે. સંગીત મિત બ્રધર્સએ આપ્યું છે. ૧૩૨ મિનીટની આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાએ લોકેશ નામના યુવાન અને પૂજા નામની છોકરીના એમ બે પાત્રો ભજવ્યા છે. સાથે નુસરત ભરૂચા (ડોલી સિન્દે), અન્નુ કપૂર (લોકેશના પિતા), મનોજ સિંઘ (અમજ્યોત), વિજય રાઝ (ઇન્સ્પેકટર), રાજ ભણશાલી (ચંદૂ), અભિષેક બેનર્જી (વિરાજ), રાજેશ શર્મા (છોટુ), નિધી બિસ્ટ (બચ્ચી), શશી રંજન (હનુમાન)ના રોલમાં છે. રિતેશ દેશમુખ ધગાઇલા લાગલી ગલા...આઇટમ સોંગમાં જોવા મળશે.

ફિલ્મમાં આયુષ્યમાન નાટકોમાં કામ કરતો હોય છે. જે કયારેક સિતામૈયા તો કયારેક રાધાના રોલ નિભાવતો હોય છે.  તે એક નોકરીમાં જોડાય છે જ્યાં તેને સંજોગોવસાત છોકરીના અવાજમાં ફોનમાં વાત કરવી પડે છે. તે પૂજા નામથી બધા સાથે પૂજાના અવાજમાં વાત કરતો રહે છે. પૂજા નામ આખા ગામમાં એવું પ્રચલીત થઇ જાય છે કે અમુક તો પૂજાને એક તરફી પ્રેમ કરવા માંડે છે. આ ધમાચકરડી વચ્ચે જે દ્રશ્યો સર્જાય છે તે ખુબ હસાવે તેવા છે.

બીજી ફિલ્મ 'સેકશન ૩૭૫'ના નિર્માતા  કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, એસસીઆઇપીએલ તથા નિર્દેશક અજય બહલ છે. ફિલ્મમાં અક્ષય ખન્ના, રિચા ચઢ્ઢા, મીરા ચોપડા, રાહુલ ભટ્ટ, કૃતિકા દેસાઇ, શ્રીસ્વરા, કુમુદ મિશ્રા, અતુલ કુલકર્ણી, અર્જુન સિંઘ સહિતના કલાકારોએ ભુમિકા નિભાવી છે. ફિલ્મનું નામ જોતાં જ સમજાઇ જાય છે કેકહાની ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૫ આસપાસ ઘુમતી હશે. આ ફિલ્મમાં જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા જોવા મળશે.

 રોહન ખુરાના (રાહુલ ભટ્ટ) એક ફિલ્મ નિર્દેશક છે. તેના પર આરોપ મુકાય છે કે તેણે જુનિયર કોસ્ચ્યુમ આસિસ્ટન્ટ અંજલી ડાંગલે ઉપર બળાત્કાર કર્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસની ચારો તરફ ચર્ચા થાય છે અને સનસનાટી ફેલાઇ જાય છે. રોહન તરફે વકિલ તરીકે ક્રિમિનલ લોયર તરૂણ સલુજા (અક્ષય ખન્ના) રોકાય છે. તે ખુબ નામી વકિલ છે અને કાયદા કાનૂનની જીણામાં જીણી બાબતોથી વાકેફ છે. અંજલી તરફથી હિરલ મહેતા (ઋચા ચઢ્ઢા) કેસ લડે છે, તે એક સમયે તરૂણ સાથે જ કામ કરતી હતી. અદાલતમાં તરૂણ અને હિરલ પોતપોતાની દલિલો રજૂ કરે છે. શું અંજલી પર સાચે બળાત્કાર થયો છે? શું રોહન ખોટુ બોલી રહ્યો છે? શું એક મહિલા કાયદાને ઢાલ બનાવી રહી છે? જે થયું તે મરજીથી થયું કે જબરદસ્તીથી? આ સહિતના સવાલો અને તેના જવાબો ફિલ્મમાં જોવા મળશે.

ત્રીજી ફિલ્મ 'બાદશાહ પહેલવાન' મુળ કન્નડ ભાષાની છે અને હિન્દી સહિત બીજી છ ભાષામાં રિલીઝ થઇ છે. આ ફિલ્મના નિર્માતા સ્વપના ક્રિષ્ન અને નિર્દેશક એસ. ક્રિષ્ન છે. ફિલ્મમાં સંગીત અર્જુન જન્યાનું છે. જ્યારે કિચ્ચા સુદિપ, સુનિલ શેટ્ટી, આકાંક્ષા સિંહ, સુશાંત સિંહ, કબીર દુહાન સિંહ, શરત લોહિત્સવા, અવિનાશ સહિતે મુખ્ય ભૂમિકા નિભાવી છે. સ્પોર્ટ્સ એકશન ડ્રામા જોનરની આ ફિલ્મમાં કિચ્ચા સુદિપે પહેલી જ વખત રેસલરનો રોલ નિભાવ્યો છે.

(10:03 am IST)