Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સ્ત્રીએ ઘરની બહાર નીકળવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી: દિવ્યા દત્તા

મુંબઈ: અભિનેત્રી ફિલ્મ નિર્માત્રી દિવ્યા દત્તાએ કહ્યું હતું કે સ્ત્રી સશક્તિકરણનો સાચો અર્થ એટલો છે કે સ્ત્રીએ ઘરની બહાર નીકળવા માટે કુટુંબીજનોની કે સમાજની પરવાનગીની જરૂર નથી.'હું 18 વર્ષની વયથી એકલી પ્રવાસ કરતી થઇ છું, એકલી બહાર આવતી જતી થઇ છું. તમે સ્ત્રી સશક્તિકરણની વાત કરો અને બીજીબાજુ સ્ત્રીને ઘરકૂકડી બનાવી રાખો તો દંભ કર્યો કહેવાય. મેં 2000ની સાલમાં ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો ત્યારે માત્ર અઢાર વર્ષની વયે એક બહેનપણી સાથે વિમાનમાં થાઇલેન્ડ ફરવા ગઇ હતી' એમ દિવ્યાએ કહ્યું હતું.જો કે આજે સમય ઘણો બદલાઇ ચૂક્યો છે. મેં ટીનેજર તરીકે જે સ્વતંત્રતા ભોગવી હતી મારી ઉંમરની બધી યુવતીઓને મળી નહોતી. આજે એવું રહ્યું નથી. આજે સ્ત્રી વધુ હિંમતવાન અને એકલી બહાર નીકળતી થઇ છે. બોલિવૂડમાં પણ એક કરતાં વધુ મહિલા ફિલ્મ સર્જકો જોવા મળે છે જે ઉત્તમ ફિલ્મો બનાવે છે અને શાબાશી મેળવે છે. સયમની સાથે સમાજે પણ વહેતાં રહેવું જોઇએ. તેણે કહ્યું કે આપણે ત્યાં પુરુષ પ્રધાન સમાજ હોવાથી સ્ત્રીએ સૈકાઓ સુધી ખૂબ સહન કર્યું. આજે પરિસ્થિતિમાં જબદરસ્ત ફેરફાર થઇ ચૂક્યો છે છતાં આપણે ઘણું કરવાનું બાકી છે.

(5:55 pm IST)