Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

દીપિકા પાદુકોણને પછાડી આલિયા ભટ્ટ બની એશિયાની સૌથી સેકસી મહિલા

દીપિકા પાદુકોણને સમગ્ર દાયકાની સૌથી સેકસી મહિલા પસંદ કરવામાં આવી

મુંબઇ, તા.૧૨: બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને ૨૦૧૯ની સૌથી સેકસી એશિયન મહિલા અને દીપિકા પાદુકોણને સમગ્ર દાયકાની સૌથી સેકસી મહિલા પસંદ કરવામાં આવી. બુધવારે લંડનમાં રજૂ કરાયેલા એક ઓનલાઈન સર્વેમાં આ બંનેને આ ખિતાબ મળ્યો છે. બ્રિટનના સાપ્તાહિક અખબાર 'ઈસ્ટર્ન આઈ' દ્વારા રજૂ કરાયેલી આ વાર્ષિક યાદીમાં રાખવામાં આવેલી આલિયા ભટ્ટ માટે આ વર્ષને તેના માટે શાનદાર જણાવવામાં આવ્યું છે. આલિયાએ આ વર્ષે પોતાની એકિટંગના દમ પર ઘણા એવોર્ડ તો જીત્યા જ છે સાથે જ ૨૦૨૦ ઓસ્કર માટે ભારતની સત્તાવર એન્ટ્રીમાં તેની ફિલ્મ 'ગલી બોય' છે.આલિયાએ તેના પક્ષમાં કરાયેલા વોટ પર ખુશી વ્યકત કરતા કહ્યું કે, 'મારું હંમેશાંથી માનવું રહ્યું છે કે, સાચી સુંદરતા જે દેખાય છે તેનાથી કયાંય વધુ હોય છે અને તે જ સૌથી વધુ મહત્વ ધરાવે છે. આપણે વૃદ્ઘ થઈ જઈશું, આપણે કેવા લાગીએ છીએ એ સમયની સાથે બદલાઈ જશે પણ તમારું દિલથી સારું હોવું તમને હંમેશાં સુંદર બનાવી રાખશે અને આપણે તેના પર જ ધ્યાન આપવું જોઈએ.'

સેકિસએસ્ટ એશિયન ફિમેલ લિસ્ટ ઓનલાઈન વોટ. મીડિયા કવરેજ, જુદા-જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મળનારી પ્રતિક્રિયાઓના આધારે નક્કી કરવામાં આવે છે. ઈસ્ટર્ન આઈના એન્ટરટેઈનમેન્ટ સંપાદક અને આ લિસ્ટની શરૂઆત કરનારા અસજાદ નઝીરે કહ્યું કે, 'આલિયા ભટ્ટ જેવું મોટું નામ હાલ બીજું કોઈ નથી અને કોમર્શિયલ હિન્દી સિનેમાના આગામાં દાયકા બોલિવૂડ કવીનની જેમ રાજ કરવાથી તેને કોઈ રોકી શકે તેમ નથી. ફિલ્મ સ્ટારથી વધુ તે એક મહિલા શકિતનું પ્રતીક છે, જે સશકત આધુનિક મહિલાનું પ્રતિનિધિત્વ કરે છે.'

દીપિકા પાદુકોણ જે ગત વર્ષે આ યાદીમાં ટોપ પર હતી તે એક ક્રમ સરકીને બીજા સ્થાને આવી ગઈ છે પણ દાયકાની સૌથી સેકસી મહિલાનું ટાઈટલ આ વખતે પણ તેની પાસેથી કોઈ છીનવી શકયું નહી.

આ યાદીમાં ટીવીના કલાકારોમાં સૌથી ઊંચું સ્થાન હિના ખાને હાંસલ કર્યું જે ત્રીજા નંબરે રહી. ચોથા સ્થાને માહિરા ખાન રહી જેણે સતત પાંચમા વર્ષે સૌથી સેકસી પાકિસ્તાની મહિલાનો ખિતાબ જીત્યો. આ વર્ષની ટોપ ૧૦માં સુરભિ ચંદના (૫), કેટરીના કૈફ (૬), શિવાંગી જોશી (૭), નિયા શર્મા (૮), મેહવિશ હયાત (૯) અને પ્રિયંકા ચોપરા (૧૦)એ પોતાનું સ્થાન બનાવ્યું છે.

(10:36 am IST)