Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

૨.૦ની અધધ.. રૂ.૬૨૦ કરોડની કમાણીઃ બોકસઓફિસના તમામ રેકોર્ડ તોડયા

 મુંબઈ,તા.૧૨, સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ '૨.૦'એ કમાણીના મામલે બોક્સઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે '૨.૦' અત્યાર સુધી કુલ ૬૨૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી ચૂકી છે. શંકરની ૨૦૧૦ની બ્લોકબસ્ટર ફિલ્મ 'અંથિરન'ની સિક્વલ '૨.૦' લયકા પ્રોડક્શને બનાવી છે. બોક્સઓફિસ ઈન્ડિયા અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે ૨૦ કરોડ, બીજા દિવસે ૧૮, ત્રીજા દિવસે ૨૪ કરોડ, ચોથા દિવસે ૩૩ કરોડ ૨૫ લાખ, પાંચમા દિવસે ૧૩ કરોડ ૫૦ લાખ, છઠ્ઠા દિવસે ૧૧ કરોડ ૫૦ લાખ, સાતમા દિવસે ૯ કરોડ ૫૦ લાખ અને આઠમા દિવસે ૭ કરોડ ૭૫ લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ હિસાબે ફિલ્મે એક સપ્તાહમાં આશરે ૧૩૭ કરોડની કમાણી કરી.

૨૯ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મના હિન્દી વર્ઝને અત્યાર સુધી કુલ ૧૬૬.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. '૨.૦'માં રજનીકાંત ત્રણ અલગઅલગ અવતારમાં છે. ફિલ્મમાં અક્ષયકુમાર, એમી જેક્સન, આદિલ હુસૈન તેમજ સુધાંશુ પાંડે જેવા સ્ટાર છે. અક્ષયની દક્ષિણમાં આ પહેલી ફિલ્મ છે જેમાં તે વિલન છે. આ ફિલ્મમાં રજનીકાંત વૈજ્ઞાનિક અને રોબોના રોલમાં છે.

(5:27 pm IST)