Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ચાર ફિલ્મો 'હેલિકોપ્ટર ઇલા', 'ફ્રાઇડે', 'જલેબી' અને 'તુમ્બાડ' રિલીઝ

આજથી ચાર ફિલ્મો 'હેલિકોપ્ટર ઇલા', 'ફ્રાઇડે', 'જલેબી' અને 'તુમ્બાડ' રિલીઝ થઇ છે.

અજય દેવગણ ફિલ્મ્સ, પેન ઇન્ડિયા લિ. બેનરની ફિલ્મ 'હેલિકોપ્ટર ઇલા'ના નિર્માતા અજય દેવગણ, અક્ષય જયંતિલાલ ગડા, ધવલ જયંતિલાલ ગડા અને નિર્દેશક પ્રદિપ સરકાર છે. ફિલ્મમાં કાજોલ, રિધ્ધી સેન, નેહા ધુપીયા, તોતા રોય ચોૈધરી, અતુલ કુલકર્ણી અને મુકેશ ઋષીની મુખ્ય ભૂમિકા છે.

આનંદ ગાંધી દ્વારા લખાયેલા ગુજરાતી નાટક 'બેટા કાગડો' પરથી આ ફિલ્મ બનાવાઇ છે. ફિલ્મનું ટાઇટલ હેલીકોપ્ટર પેરેન્ટીંગ પરથી લેવાયું છે. આ એવા પેરેન્ટસની વાત છે જે હમેંશા પોતાના બાળકોની આસપાસ રહે છે. પછી એ સ્કૂલ પર હોય કે મિત્રો સાથે હોય. કાજોલ ફિલ્મમાં સિંગલ મધરના રોલમાં છે. ઇલા ડિસૂઝા (કાજોલ) આમ તો ખુબ સારી મમ્મી છે, પણ પોતાના પુત્ર વિવાન અરોરા (રિધ્ધીસેન) માટે વધુ પડતી રક્ષણાત્મક વલણ અપનાવતી હોય છે. એ ત્યાં સુધી કે દિકરા સાથે સમય પસાર કરવા માટે તે તેની જ કોલેજમાં એડમિશન લઇ લે છે. પણ તેનો આ પ્લાન તેના પર ભારે પડી જાય છે. વિવાનને લાગે છે કે તેની મા તેની અંગત જિંદગીમાં દખલગીરી કરવા આવી છે. પછી શું થાય છે એ આ ફિલ્મમાં જોવા મળશે.

બીજી ફિલ્મ 'ફ્રાઇડે' કોમેડી છે. નિર્માતા  સાજીદ કુરેશી અને નિર્દેશક અભિષેક ડોગરાની આ ફિલ્મમાં ગોવિંદા, સંજય મિશ્રા, રાજેશ શર્મા, વરૂણ શર્મા, પ્રભલીન સંધુ અને દિગાંગના સૂર્યવંશી છે. દિગાંગનાએ ટીવી શો વીરામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. લાંબા સમય પછી ગોવિંદા આ ફિલ્મથી ફરી ધમાલ કરવા આવ્યો છે. અગાઉ પણ તેની એક ફિલ્મ આવી હતી. પણ એ કયારે આવી અને કયારી ગાયબ થઇ ગઇ એ ખબ ન પડી. ગોવિંદાના ચાહકો આ ફિલ્મથી ખુશ થાય તેવી આશા રાખીએ.

ત્રીજી ફિલ્મ 'જલેબી'ના નિર્માતા મહેશ ભટ્ટ અને નિર્દેશક વિક્રમ ભટ્ટ છે. ફિલ્મમાં રિયા ચક્રવર્તિ, દિગાંગના સુર્યવંશી, વરૂણ મિત્રા, પુર્તિ આર્યા, ફરિદા ઝલાલ, યુસુફ હુશેનની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મ રોમાન્ટીક ડ્રામા જોનરની છે. સંગીત જીત ગાંગુલી, તનિષ્ક બાગચી, જાવેદ-મોહસીન અને અભિષેક મિશ્રાનું છે. અનોખી લવસ્ટોરી આ ફિલ્મમાં જોવા મળશે.

ચોથી ફિલ્મ 'તુમ્બાડ'ના નિર્માતા રૂચી ભીમાણી, આનંદ ગાંધી, થોમસ, સંયુકતા કાઝા સહિતના અને નિર્દેશક રાહી અનિલ બર્વે, આનંદ ગાંધી અને આદેશ પ્રસાદ છે. ફિલ્મમાં રોન્જીની ચક્રવર્તિ, સોહમ શાહ, હરિશ ખન્ના, અનિતા દાતે, મોહમ્મદ સમદ, જ્યોતિ મલાશે, દિપક દામલે, ધુંદીરાજ પ્રભાકર જોગલેકરની મુખ્ય ભૂમિકા છે. સંગીત જેસ્પર કિડનુ છે. આ થ્રિલર ફિલ્મ છે અને તેનું શુટીંગ અસલી તુમ્બાડ ગામમાં જ કરાયું છે. તુમ્બાડ પુને નજીકનું ગામ છે.

(9:46 am IST)