Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કોર્ટમાં ખોટુ સોગંદનામુ રજૂ કરવા મામલે સલમાન ખાન ફરી મુશ્કેલીમાં

મુંબઇ તા.૧૨: સલમાન ખાનની ફિલ્મ ભારત સુપરહિટ  સાબિત થતાં અને પાંચ દિવસમાં જ દોઢસો કરોડની કમાણી કરી લેતાં સલમાન ખુશ છે. જો કે બીજી તરફ તેના માટે મુશ્કેલી ઉભી થઇ છે. આ અભિનેતા સામે વર્ષ ૧૯૯૮માં હરણના શિકારનો ગુનો નોંધાયો હતો. જે તે વખતે સલમાન ખાન તરફથી હથિયાર લાયસન્સ ગૂમ થઇ ગયાનું સોગંદનામુ કોર્ટમાં રજૂ કરાયું હતું. એ પછી ૨૦૦૬માં કોર્ટનું ધ્યાન ભટકાવવા માટે ખોટુ સોગંદનામુ રજૂ કરવામાં આવ્યાના આરોપ સાથે ૩૪૦ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની અરજી કરવામાં આવી હતી.

જોધપુર (ગ્રામીણ) કોર્ટએ મંગળવારે આ મામલાની સુનાવણી પુરી કરી હતી. હવે ૧૭મીએ ચુકાદો આવશે. જો સલમાન ખાનની વિરૂધ્ધમાં આ ચુકાદો આવશે તો વધુ એક ગુનો તેની સામે દાખલ થશે. હમ સાથ સાથ હૈના શુટીંગ વખતે સલમાન ખાને જોધપુરમાં કાળા હરણનો શિકાર કરતાં ૧૯૯૮માં તેની સામે ત્રણ ગુના નોંધાયા હતાં. શિકાર માટે જે હથિયાર વાપરવામાં આવ્યા હતાં તેનું લાયસન્સ પુરૂ થઇ ગયું હતું. ત્યારે હથિયાર લાયસન્સ કોર્ટમાં જમા કરાવવાનો આદેશ થયો હતો. પરંતુ સલમાન તરફથી લાયસન્સ ખોવાઇ ગયાનું સોગંદનામુ રજુ કરાયું હતું. હરણના શિકારના ત્રણમાંથી બે ગુનામાં સલમાન ખાનને અદાલતે દોષી ગણી સજા સંભળાવી હતી, જેની હાઇકોર્ટમાં સુનાવણી બાકી છે. જ્યારે હરણના એક કેસમાં હાઇકોર્ટ દ્વારા સલમાનને નિર્દોષ છોડવામાં આવ્યો છે. જો કે આ ફેસલા સામે રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. (૧૪.૫)

(11:53 am IST)