Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સાઉથમાં નામના ધરાવતી અભિનેત્રી હવે બોલીવૂડમાં રાધેમાના રોલમાં પાયલ ઘોષ

મુંબઇ તા. ૧૨: જાણીતા કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટીમાં જોવા મળેલી અભિનેત્રી પાયલ ઘોષ હવે હિન્દી ફિલ્મમાં કામ કરી રહી છે. માત્ર ૧૭ વર્ષની  ઉમરે બીબીસીની ટેલિફિલ્મથી કારકિર્દી શરૂ કરનારી પાયલ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટુ નામ ધરાવ છે. લેખક નિર્દેશક સંજય છેલની કોમેડી ફિલ્મ પટેલ કી પંજાબી શાદીમાં પણ પાયલે કામ કર્યુ હતું. હવે તે ચર્ચાસ્પદ  સન્યાસી રાધેમા સાથે જોડાયેલી ઘટનાઓ પરની એક ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવશે.

પાયલ કહે છે મને હિન્દી ફિલ્મો માટે સતત ઓફર મળી રહી છે. પરંતુ સાઉથમાં મારું કામ ખુબ સારુ ચાલી રહ્યું છે. મારે એક દમદાર રોલની જરૂર હતી, જે હવે મળ્યો છે. ફિલ્મ 'જય માતા દી'ની કહાની એવી છે જેમાં મારા માટે અભિનયની અસિમિત સંભાવનાઓ છે. કોઇ વ્યકિતની બાયોપિક છે કે નહિ તેની મને ખબર નથી. પરંતુ આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે એ ખબર છે. સાઉથમાં પાયલ છથી વધુ ફિલ્મો કરી ચુકી છે. આ વર્ષની સુપરહિટ ફિલ્મ ધ તાશકંદ ફાઇલ્સ બનાવનારા વિવેક અગ્નિહોત્રીની એક ફિલ્મ ફ્રિડમમાં પણ તે મુખ્ય રોલ નિભાવી રહી છે.

(11:53 am IST)