Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

દિશા વાકાણી ઉર્ફે દયાભાભીની મિમિક્રી કરતી કોલેજિયનનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

મુંબઈ : સબ ટીવી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબહેનનો રોલ ભજવતી દિશા વાકાણીની લોકપ્રિયતા જબરદસ્ત છે. તે છેલ્લા ઘણા સમયથી સિરિયલમાં જોવા ન મળતી હોવા છતાં તેની લોકપ્રિયતામાં ઓટ નથી આવી. આ સંજોગોમાં હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક કોલેજિયન દયાબહેનના પાત્રની આબાદ મિમિક્રી કરતા જોવા મળે છે. લોકોને આ વીડિયો બહુ પસંદ પડ્યો છે અને એ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દિશાએ 24 નવેમ્બર, 2015ના દિવસે મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા અને 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા ત્યારથી પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં જોવા નથી મળી રહી. દિશાએ 2017ના સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત ફુલટાઇમ શૂટ કર્યું હતું.  જોકે વચ્ચે તે ગણતરીની ક્ષણો માટે શોમાં જોવા મળી હતી પણ તેણે હજી ફુલટાઇમ પરત ફરવાનો નિર્ણય નથી લીધો.

ચર્ચા પ્રમાણે દિશાના પતિ મયુરે શરત મૂકી હતી કે દિશા માત્ર દિવસના ચાર જ કલાક શૂટ કરશે અને મહિનાના 15 જ દિવસ કામ કરશે. આ ઉપરાંત દિશાને તેની ફીમાં 100 ટકા વધારો જોઈતો હતો. વળી મયૂરને લાગતું હતું કે પ્રોડ્યુસરે દિશાને અમુક રકમ ચૂકવી નથી. આ શરતોના મામલે પ્રોડ્યુસર અને દિશાના પતિ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે અને આ કારણે શોમાં દિશાના પુનરાગમન પર પ્રશ્નાર્થ લાગેલો છે.

(5:08 pm IST)