Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીનો એવોર્ડ મેળવનાર હેલ્લારો ફિલ્મ ૮ નવેમ્બરે રિલીઝ થશેઃ ૧૩ અભિનેત્રીઓ ફિલ્મમાં દેખાશે

મુંબઇ : હાલમાં 66મા નેશનલ ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના શાસ્ત્રીભવનમાં પીઆઇબીએ આ અવોર્ડની જાહેરાત કરી હતી. આ વિજેતાઓમાં બે ગુજરાતી ફિલ્મ રેવા અને હેલ્લારોને પણ સમાવેશ થાય છે. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં તેમજ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે.

હેલ્લારો એટલે મોજું અને આ ફિલ્મ પોતાના વાર્તાના મોજામાં નેશનલ એવોર્ડ તાણીને લાવી છે. લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહ આ ફિલ્મથી ફુલ-ફ્લેજ્ડ ડિરેક્ટર તરીકે પોતાની કરિયરના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. તેમની આ ફિલ્મને હેલ્લારોની કથા 1975ના સમયગાળાના કચ્છમાં આકાર લે છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે હેલ્લારો સર્જાય છે ! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે. આ ફિલ્મમાં જયેશ મોરેનો પણ ઢોલીનો મહત્વનો રોલ છે.

હેલ્લારો કચ્છમાં આકાર લેતા કથા છે. જેમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે. આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક શાહ છે અને ફિલ્મના સંવાદો, ગીત અને અતિરિક્ત પટકથા લેખક સોમ્ય જોશી છે. આ ફિલ્મ 8 નવેમ્બરના દિવસે રિલીઝ થવાની છે.

(4:56 pm IST)