Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્મદિનઃ કોલેજની ડ્રામા સોસાયટીમાં યોજાતા કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહ્યુ ન હોત તો શહેનશાહ મોટા પડદે જોવા ન મળત

નવી દિલ્હી : બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. તેઓ 77મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. એમના પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલીવુડ શહેનશાહનું જીવન એક ફિલ્મી સ્ટોરી જેટલું જ રોમાંચક છે. અમિતાભ બચ્ચનનું જીવન સફળતા અને નિષ્ફળતાના અનેક ઉતાર ચડાવવાળું છે. આજે એમના જન્મદિવસે એમના પહેલા એક્ટિંગ ગુરૂને યાદ કરવા જરૂરી છે.

દિલ્હી વિશ્વવિદ્યાલયના કિરોડીમલ કોલેજના ડ્રામા શિક્ષક ફ્રેન્ક ઠાકુર દાસે શાંત, શરમાળ અને મિતભાષી અમિતાભ બચ્ચનને કોલેજની ડ્રામા સોસાયટીમાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ન કહેવાયું હોત તો બોલીવુડ શહેનશાહને આપણે મોટા પરદે ન જોઇ શક્યા હોત.

કેએમ કોલેજના બીએસસીના વિદ્યાર્થી અમિતાભ બચ્ચનનું જીવન ફ્રેન્ક ઠાકુરદાસના સાથે થયેલી મુલાકાતે આખું બદલી નાંખ્યું હતું. અમિતાભ બચ્ચને કેએમ કોલેજમાં વર્ષ 1959થી 1962 સુધી શિક્ષણ લીધું હતું.

સતત કામમાં વ્યસ્ત રહેતા પંજાબી ફ્રેન્ક ઠાકુર દાસ કેએમ કોલેજમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવતા હતા. પ્રખર અંગ્રેજી શિક્ષક હોવાની સાથોસાથ તેઓ કોલેજ ડ્રામા સોસાયટીમાં પણ સક્રિય હતા. વર્ષ 2017માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને એમને યાદ કરતાં કહ્યું હતું કે, મને આજે પણ યાદ છે કે પ્રોફેસર ફ્રેન્ક ઠાકુરદાસે મને કોલેજની ડ્રામા સોસાયટી દ્વારા આયોજિત નાટકોમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો.

પહેલી મુલાકાતમાં જ તે મારા ગુરૂ બની ગયા હતા. એમને લીધે જ મને થિયેટરની દુનિયાની એબીસી ખબર પડી હતી. સ્ટેજ પર કેવી રીતે બોલવું અને અભિનય કેવી રીતે કરવો, કેવા હાવભાવ રાખવા સહિતનું જ્ઞાન એમની પાસેથી શીખ્યો હતો.

(4:48 pm IST)