Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

આજે રિલીઝ થઇ આમિર ખાનની બહુચર્ચીત ફિલ્‍મ ‘લાલસિંહ ચઢ્ઢા' અને અક્ષય કુમારની ‘રક્ષાબંધન'

તમિલ, તેલુગુ, કન્‍નડ,મલયાલમ, બંગાળી તેમજ ગુજરાતી ભાષાઓની અન્‍ય ૧૬ ફિલ્‍મો પણ આજે અને કાલે થશે રિલીઝઃ બોલીવૂડને બે મોટી ફિલ્‍મો પણ ખુબ આશા

મુંબઇ તા. ૧૧: આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધન પર્વના દિવસે જ આમિર ખાનની લાલસિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની ફિલ્‍મ રક્ષાબંધન રિલીઝ થઇ છે. આ ઉપરાંત અલગ અલગ ભાષાની કુલ મળી ૧૮ ફિલ્‍મો આજે રિલીઝ કરવામાં આવી છે. જો કે આ ફિલ્‍મોમાં સોથે વધુ ચર્ચા આમિર ખાનની ફિલ્‍મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષા બંધનની જ થઇ રહી છે. બોલીવૂડને લાંબા સમયથી એકાદ બે હિટ સુપરહિટ  ફિલ્‍મોની ખુબ જરૂર છે. ત્‍યારે આ બે મોટા સ્‍ટારની ફિલ્‍મો કેવી કમાલ દેખાડે છે તે બે આગામી દિવસોમાં નક્કી થઇ જશે.

એ પણ ઉલ્લેખનિય છેકે લોકો આમિર ખાનની ફિલ્‍મનો જોરદાર વિરોધ કરી રહ્યા છે, જ્‍યારે અક્ષય કુમારની અગાઉની ફલોપ ફિલ્‍મોને કારણે તેની કારકિર્દી પણ દાવ પર લાગી ગઈ છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે કરીના કપૂર ખાન, મોના સિંહ અને નાગા ચૈતન્‍ય મુખ્‍ય ભૂમિકામાં છે. જ્‍યારે આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત રક્ષા બંધનમાં અક્ષય કુમાર ઉપરાંત ભૂમિ પેડનેકર મુખ્‍ય ભુમિકા નિભાવી રહી છે. સાથે  સાદિયા ખાતિબ, સહજમીન કૌર, દીપિકા ખન્ના અને સ્‍મળતિ શ્રીકાંત પણ મહત્‍વના રોલમાં છે. આ બંને ફિલ્‍મો પર બોલીવૂડને ખુબ આશા છે.

હિન્‍દી ઉપરાંત તમિલમાં પણ બે ફિલ્‍મો રિલીઝ થઈ રહી છે. જેમાં ડિરેક્‍ટર એમ મુથૈયાની વિરૂમનમાં કાર્તિ, અદિતિ શંકર અને પ્રકાશ રાજ મુખ્‍ય ભૂમિકામાં છે. નિર્દેશક વેંકટ રાઘવનની ફિલ્‍મ કદમૈયામાં યાશિકા આનંદ, મોથી રાજેન્‍દ્રન મુખ્‍ય ભૂમિકામાં છે. લાલ સિંહ ચઢ્ઢા અનેરક્ષાબંધન આજે રક્ષાબંધનના દિવસે રિલીઝ થઇ છે. જ્‍યારે તમિલ ફિલ્‍મો આવતીકાલે ૧૨મીએ રિલીઝ થશે.   વિરૂમન એક સંપૂર્ણ મસાલા ફિલ્‍મ છે, જ્‍યારે કદમૈયા કોમેડી ફિલ્‍મ છે.

આ અઠવાડિયે તેલુગુ ભાષાની ચાર ફિલ્‍મો રિલીઝ થઇ રહી છે. જેમાં યશોદા ફિલ્‍મ તેલુગુ ઉપરાંત મલયાલમ, કન્‍નડ, તમિલ અને હિન્‍દીમાં પણ રિલીઝ થશે. આ અઠવાડિયે કન્‍નડ ભાષાની ત્રણ ફિલ્‍મો રિલીઝ થઈ છે. તેમજ બે ફિલ્‍મો મલયાલમમાં અને એક ફિલ્‍મ ગુજરાતી ભાષામાં આવતીકાલે રિલીઝ થશે.  ગુજરાતી ફિલ્‍મનું નામ કોણ પારકા કોણ પોતાના  એવું છે.  જેનું નિર્દેશન હરસુખ પટેલે કર્યું છે. બંગાળી ભાષાની ફિલ્‍મો પણ આજે અગિયારમીએ રિલીઝ થઇ છે. આ ઉપરાંત બંગાળી ભાષામાં વિવિધ શૈલીની ચાર ફિલ્‍મો રિલીઝ થઇ છે. જે નક્‍સલવાદી પ્રવૃતિ, રાજકીય ડ્રામા, રોમાન્‍ટીક અને ડ્રામા જોનરની ફિલ્‍મો છે.

(3:50 pm IST)