Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ચાર દિવસ પછી રિલીઝ થશે રેસ-3નું ટ્રેલર

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાન અને ફિલ્મ સર્જક રમેશ તૌરાનીના સહિયારા સર્જન સમી ફિલ્મ રેસ થ્રીનું ટ્રેલર ૧૫મી મેએ રજૂ કરવાની ઑફિશિયલ જાહેરાત ફિલ્મ સર્જકો તરફથી કરવામાં આવી હતી. મૂળ તો આ ટ્રેલર તૈયાર હતું અને ગયા વીક એન્ડની આસપાસ રજૂ થવાનું હતું પરંતુ સોમવારે જોધપુર કોર્ટમાં સલમાન સામેના કાળિયારના ગેરકાયદે શિકારના કેસની સુનાવણી હતી એટલે સલમાન થોડા ટેન્શનમાં હતો. ટ્રેલર તૈયાર હતું પરંતુ સલમાન અપસેટ હોવાથી એ ટ્રેલરમાં જે ફેરફાર કરાવવા માગતો હતો એ કરી શકાયા નહોતા એટલે ટ્રેલર રિલિઝ કરાયું નહોતું. જોધપુર કોર્ટની સુનાવણી લંબાઇ જતાં સલમાન મુંબઇ પાછો ફર્યો હતો અને ટ્રેલરમાં પોતાને યોગ્ય લાગે એવા ફેરફાર કરાવ્યા હતા. નવું ટ્રેલર હવે તૈયાર છે અને ૧૫મી મેેએ રિલિઝ કરાશે એવી સત્તાવાર જાહેરાત કરાઇ હતી. નવા પોસ્ટર અને ટ્રેલરમાં ફિલ્મના તમામ મુખ્ય  પાત્રો હાથમાં ગન સાથે દેખાય છે રેસ થ્રીમાં સલમાન ખાન, જેક્લીન ફરનાન્ડિસ, અનિલ કપૂર,ડેઝી શાહ, સકીબ સલીમ, બોબી દેઓલ વગેરે ચમકી રહ્યાં છે અને આ વર્ષની ઇદ પર જૂનની ૧૫મીએ આ ફિલ્મ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. આ ફિલ્મનું ડાયરેક્શન ટોચના કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર રેમો ડિસોઝાએ કર્યું  છે. આ ફિલ્મ પૂરી થતાં સલમાન અલી અબ્બાસ ઝફરની ભારત અને પોતાની દબંગ થ્રી શરૃ કરી દેશે એવી જાણકારી પણ મળી હતી.
 

(4:39 pm IST)