Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

૨૦૧૮ની આવી રહેલી ફિલ્મોઃ આમિર, અક્ષય, સલમાન મચાવશે ધૂમ

૨૦૧૮માં પણ બોકસ ઓફિસને ઘણી આશા છે

 

મુંબઇ તા. ૧૧ : વર્ષ ૨૦૧૭ની વિદાયની સાથે-સાથે વર્ષ ૨૦૧૮ના સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. ૨૦૧૭માં એક બાજુ 'બાહુબલિ-૨', 'ટાઇગર જિન્દા હૈ', 'ગોલમાલ અગેઇન', 'રઈસ'અને 'ટ્યૂબલાઇટ'જેવી ફિલ્મો ખૂબ જ ચર્ચિત રહી તો બીજી તરફ 'ટ્રેપ્ડ', 'ન્યૂટન', 'હિન્દી મીડિયમ', 'શુભ મંગલ સાવધાન'અને 'ટોઇલેટ-એક પ્રેમકથા'જેવી ફિલ્મોએ ખૂબ જ પ્રશંસા મેળવી. ૨૦૧૮માં પણ બોકસ ઓફિસને ઘણી આશાઓ છે. બોલિવૂડના સ્ટાર અભિનેતાઓની બહુપ્રતિષ્ઠિત ફિલ્મો સહિત અભિનેત્રીઓના લીડ રોલવાળી ઘણી ફિલ્મો પણ આ વર્ષે દર્શકો માણી શકશે.

સલમાન ખાન : રેસ-૩

વર્ષ ૨૦૧૮માં એક વાર ફરી બોલિવૂડના દબંગ ખાન પાસેથી બોલિવૂડને ઘણી આશા છે. 'ટાઇગર અભી જિન્દા હૈ'ની સુપર સકસેસ બાદ રેમો ડિસોઝાના નિર્દેશનમાં સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ, બોબી દેઓલ અને પૂજા હેગડે અભિનીત 'રેસ-૩'૧૫ જૂને રિલીઝ થવાની છે.

આમિર ખાન - અમિતાભ બચ્ચન : ઠગ્સ ઓફ હિન્દુસ્તાન

મિસ્ટર પરફેકટનિસ્ટની સાથે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મોટા પડદે જોવા ખરેખર એક ગજબનો અનુભવ સાબિત થઈ શકે છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ની પણ દર્શકોને રાહ છે. આ ફિલ્મ ૭ નવેમ્બરે રિલીઝ થશે, તેમાં દંગલ ગર્લ સના શેખ અને કેટરીના કૈફ પણ જોવા મળશે.

શાહરૂખ ખાન : ઝીરો

કિંગ ઓફ રોમાન્સ કહેવાતા શાહરુખના ફેન્સ આ વખતે તેને અલગ અંદાજમાં જોઈ શકશે. નવા વર્ષમાં શાહરુખની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટીઝર લોકો સામે આવ્યું, જે જોઈને કિંગ ખાનના દીવાનાઓની ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મમાં શાહરુખ ઠીંગુજીના રોલમાં જોવા મળશે. 'જબ હેરી મેટ સેજલ'ની નિષ્ફળતા બાદ શાહરુખને આ ફિલ્મથી ખૂબ આશા છે.

રણવીરસિંહ : પદ્માવતી - સિમ્બા

તમામ વિવાદોની વચ્ચે રણવીર-દીપિકાની મોસ્ટ અવેઇટિંગ ફિલ્મ 'પદ્માવતી'સિનેમાઘરોમાં આવે તેવી આશા છે. સેન્સર બોર્ડ દ્વારા નામ બદલવા અને ૨૬ જગ્યાએ કટ લગાવ્યા બાદ આ ફિલ્મ કોઈ પણ સમયે પ્રદર્શિત થશે તેવી આશા છે. ફિલ્મમાં રણવીર-દીપિકાના શાનદાર અભિનય ઉપરાંત સંજય લીલા ભણસાળીનું નિર્દેશન પણ જોવા મળશે. ઐતિહાસિક બેકગ્રાઉન્ડ ધરાવતી આ ફિલ્મ બોકસ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવી શકે છે.

'પદ્માવતી' બાદ રણવીરસિંહ 'સિમ્બા'માં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન સ્ટાર નિર્દેશક રોહિત શેટ્ટી કરી રહ્યો છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

અક્ષયકુમાર : પેડમેન - ગોલ્ડ

અક્ષયની આ ફિલ્મ સતત ચર્ચામાં છે. અરુણાચલમ્ મુરુગનંથમની જિંદગી પર આધારિત આ ફિલ્મનો દિલચસ્પ વિષય તેને ખાસ બનાવે છે. ફિલ્મને આર. બાલ્કીનું બેજોડ નિર્દેશન મળ્યું છે. આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષયની સાથે સોનમ કપૂર અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

૧૫ ઓગસ્ટે રિલીઝ થનારી 'ગોલ્ડ'અક્ષયકુમારની આ વર્ષની ત્રીજી ફિલ્મ હશે. તે સ્પોર્ટ્સ બાયોપિક પૂર્વ હોકી ખેલાડી બલબીરસિંહ સિનિયરની જિંદગી પર આધારિત છે. આ ફિલ્મ સાથે ફરહાન અખ્તર પણ નિર્માણ ક્ષેત્રે જોડાયો છે.

રજનીકાંત : ૨.૦

કમાણીની બાબતમાં 'બાહુબલિ'ને પટકી નાખવાનો દમ રાખનારી આ ફિલ્મ મોટી બ્લોક બસ્ટર સાબિત થઈ શકે છે. શંકરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત પણ છે. ૨૭ એપ્રિલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં અક્ષય નેટેગિવ રોલ ભજવી રહ્યો છે.

રણબીર કપૂર : સંજ

રણબીર કપૂર આ વર્ષે બિલકુલ અલગ અંદાજમાં જોવા મળશે. સંજય દત્ત્।ના જીવન પર બનનારી આ ફિલ્મમાં રણબીર સંજયના રોલમાં જોવા મળશે. ૩૦ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાની કરી રહ્યા છે.

અજય દેવગણ : રેડ - ટોટલ ધમાલ

આ વર્ષે અજય દેવગણ સૌથી પહેલાં ૧૬ માર્ચે આવી રહેલી ફિલ્મ 'રેડ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઇલિયાના હશે. રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બનનારી 'રેડ'એક એકશન થ્રિલર ફિલ્મ હશે.

૨૦૦૭માં આવેલી ફિલ્મ 'ધમાલ'ને મળેલી સફળતા બાદ 'ડબલ ધમાલ'નિષ્ફળ રહી હતી. ઇન્દ્રકુમાર ફરી એક વાર 'ટોટલ ધમાલ'સાથે પાછા આવી રહ્યા છે. ૭ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અજય દેવગણ સાથે માધુરી દીક્ષિત, અનિલ કપૂર, રીતેશ દેશમુખ, અરશદ વારસી પણ હશે.

(9:30 am IST)