Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ડેંગ્‍યુ તાવ હોવા છતાં કંગનાએ ‘ઇમર્જન્‍સી'નું કામ ચાલુ રાખ્‍યું

મુંબઈ,તા.૧૦: બોલીવુડ અભિનેત્રી કંગના રણોત બીમાર છે. એને ડેન્‍ગ્‍યૂ બીમારી થયાનું નિદાન કરવામાં આવ્‍યું છે. તે છતાં એણે પોતાની આગામી હિન્‍દી ફિલ્‍મ ‘ઈમર્જન્‍સી'માટે કામ કરવાનું અટકાવ્‍યું નથી.

કંગનાની ફિલ્‍મ પ્રોડક્‍શન કંપની મણિકર્ણિકા ફિલ્‍મ્‍સની ટીમે ઈન્‍સ્‍ટાગ્રામ પર કંગનાની એક તસવીર મૂકીને લખ્‍યું છેઃ ‘તમને ડેન્‍ગ્‍યૂ થયો હોય, તમારા શરીરમાં સફેદ રક્‍ત કણોની સંખ્‍યા ચિંતાજનક રીતે ઘટી ગઈ હોય અને તમને સખત તાવ હોય તો પણ તમે કામ કરતા રહો છો.. આ જુસ્‍સો નથી, પણ ઘેલછા છે.. અમારાં વડાં કંગના રણોત આવાં જ એક પ્રેરણામૂર્તિ છે.' કંગનાએ એના જવાબમાં લખ્‍યું છેઃ ‘ટીમ મણિકર્ણિકાફિલ્‍મ્‍સ તમારો આભાર.. શરીર બીમાર પડ્‍યું છે, જુસ્‍સો નહીં.. માયાળુ શબ્‍દો માટે આભાર.'

ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્‍વ. ઈન્‍દિરા ગાંધીએ ૧૯૭૫ની ૨૫ જૂને દેશભરમાં લાદેલી ઈમર્જન્‍સી (કટોકટી) સમયની પરિસ્‍થિતિ પર આધારિત ‘ઈમર્જન્‍સી' ફિલ્‍મમાં કંગનાએ ઈન્‍દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. તે કટોકટી ૧૯૭૭ની ૨૧ માર્ચે ઉઠાવી લેવામાં આવી હતી અને ત્‍યારપછી દેશમાં જનતા પાર્ટીનો ઉદય થયો હતો, જેણે લોકસભા ચૂંટણીમાં ઈન્‍દિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટીને હરાવીને સત્તા પ્રાપ્ત કરી હતી.

(11:05 am IST)