Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ચીનમાં ફ્લોપ રહી બાહુબલી-2

મુંબઈ:સાઉથની મેગાબજેટ અને સુપરહિટ ગણાયેલી તાજેતરની ફિલ્મોમાં બાહુબલિની બંને કડીનાં નામ ગૌરવભેર બોલાતાં રહ્યાં હતાં. દુનિયાભરમાં આવકની બાબતમાં તહલકો મચાવી દેનારી આ ફિલ્મને તાજેતરમાં ચીનમાં રજૂ કરવામાં આવી હતી. બાહુબલિને ચીનમાં રજૂ કરતી વખતે એના સર્જકોના મનમાં એવી ધારણા હતી કે બોલિવૂડની એટલે કે આમિર ખાન અને સલમાન ખાનની ફિલ્મોની જેમ  બાહુબલિ પણ બોક્સ ઑફિસ પર ટંકશાળ સર્જશે. આમિરની થ્રી ઇડિયટ્સ, દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર તથા સલમાન ખાનની બજરંગી ભાઇજાને ચીનમાં પણ ધીકતો ધંધો કર્યો હતો. પરંતુ બાહુબલિને એવો જોરદાર આવકાર સાંપડયો નથી એેવા અહેવાલ મળ્યા હતા. ફિલ્મ રજૂ થયાના બીજા સપ્તાહમાં બાહુબલિની બોક્સ ઑફિસની આવકમાં સારો એવો ઘટાડો નોંધાયો હતો. સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે રજૂ કરેલા આંકડા મુજબ બીજા સપ્તાહમાં બાહુબલિની આવકના આંકડા આ પ્રમાણે હતા- શુક્રવારે ૨.૪૩ મિલિયન ડૉલર્સ, શનિવારે ૨.૯૪ મિલિયન ડૉલર્સ, રવિવારે ૨.૩૦  મિલિયન ડૉલર્સ અને સોમવાર તથા મંગળવારે ૦.૮૯ મિલિયન ડૉલર્સ. એટલે કુલ બીજા સપ્તાહના આરંભના ચાર પાંચ દિવસની આવકનો કુલ સરવાળો ૯.૩૮ મિલિયન ડૉલર્સ (૬૩.૧૯ કરોડ રૃપિયા) થયો હતો. કદાચ એવું બન્યું હોય કે હિન્દી ફિલ્મોના કલાકારો આમિર અને સલમાન ખાન અન્ય એશિયન દેશોની જેમ ચીનમાં પણ લોકપ્રિય હશે અને પ્રભાસ કે સાઉથના બીજા કલાકારો એટલા જાણીતા કે લોકપ્રિય નહીં હોય.
 

(4:52 pm IST)