Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

'હોપ ઓર હમ'ફિલ્મ બે પેઢીના સંઘર્ષની વાત છે: નસીરુદ્દીન શાહ

મુંબઇ તા.૧૦  સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ હોપ ઐાર હમમાં બે પેઢી વચ્ચેના તફાવતની અથવા કહો કે સંઘર્ષની કથા છે. 'આ ફિલ્મમાં મેં દાદાજીનો રોલ કર્યો છે. મને એક ફોટોકોપી મશીન સાથે લગાવ છે. એ બગડી ગયું છે. હું એને રિપેર કરવા માગું છું જ્યારે મારો પુત્ર બનતો કલાકાર એ વેચીને નવું ફોટોકોપી મશીન લાવવા માગે છે. બસ, આટલી વાત છે. પરંતુ એની સરસ માવજત કરવામાં આવી છે. ફિલ્મમાં બાળકો પણ છે અને મને બાળકો સાથે કામ કરવામાં અનેરો આનંદ આવે છે. અગાઉ પણ મેં બાળકો સાથે કેટલીક ફિલ્મો કરી છે' એમ આ અભિનેતાએ કહ્યું હતું. તાજેતરની એક બહુ વખણાયેલી મરાઠી ફિલ્મ ન્યૂડમાં તમે સદ્ગત પેઇન્ટર એમ એફ હુસૈનનો રોલ કર્યો છે એમ કહેવાય છે. હુસૈન સાથેના તમારા સંબંધ વિશે કંઇક કહો. એવા સવાલના જવાબમાં આ સિનિયર અભિનેતાએ કહ્યંુ હતુ કે મેં હુસૈન સા'બની ૨૦૦૦ની સાલમાં રજૂ થયેલી ગજગામિની ફિલ્મમાં જગવિખ્યાત પેઇન્ટર લીયોનાર્દો દ વિન્ચીનો રોલ કર્યો હતો. એમણે ફિલ્મની કથા વર્ણવી ત્યારે મને એક અક્ષર પણ સમજાયો નહોતો. પરંતુ મેં ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો અને માધુરી દીક્ષિતને પૂછ્યું કે ફિલ્મની કથા વિશે મને કંઇ કહેશે ત્યારે એણે પણ કહ્યું કે મને નહીં પૂછતા. મને પણ કથા સમજાઇ નથી. મેં શબાના આઝમીને પૂછ્યું કે તને કથા સમજાઇ હોય તો મે કહે. એણે પણ અંગુઠો દેખાડયો. તમે ફિલ્મ જુઓ તો એમાં કોઇ નક્કર વાર્તા નથી પરંતુ જે ઇમેજિસ હુસૈને સર્જી એ તમે જુઓ તો આ માણસ કેટલો જિનિયસ હતો એ સમજાઇ જશે.

(4:51 pm IST)