Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

તેલુગૂ અભિનેત્રી શ્રી રેડ્ડીએ કહ્યું-નિર્માતાના દિકરાએ કર્યુ શોષણ

કાસ્‍ટીંગ કાઉચનો કપડા ઉતારી વિરોધ કરનારી : સરકારી સ્‍ટુડિયોમાં લઇ જઇ બળજબરી આચરી

રસ્‍તા પર કપડા ઉતારીને કાસ્‍ટીંગ કાઉચનો વિરોધ કરનારી તેલુગૂ અભિનેત્રી શ્રી રેડ્ડીએ ઇન્‍ડિયા ટુડેને આપેલા એક ઇન્‍ટરવ્‍યુમાં ચોંકાવનારી વિગતો જણાવી હતી. તેણે કહ્યું હતું કે એક જાણીતા ફિલ્‍મ નિર્માતાના પુત્રએ તેની સાથે સ્‍ટૂડિયોમાં સેક્‍સ માટે દબાણ કર્યુ હતું અને બળજબરી કરી હતી. શ્રીએ આ શખ્‍સનું નામ જાહેર કર્યુ નથી. તેણે કહ્યું હતું કે આગામી સમયમાં પોતે નામ અને તસ્‍વીરો પણ રજૂ કરશે. પોતાની પાસે સાક્ષીઓ પણ હોવાનું અને આ સાક્ષીઓ બ્રહ્માષા સાબિત થશે તેમ પણ જણાવ્‍યું હતું.

શ્રી રેડ્ડીએ કહ્યું હતું કે હું પિડીત છું, એક ફિલ્‍મ નિર્માતાના પુત્રએ સ્‍ટુડિયોમાં જ મારો ઉપયોગ કર્યો હતો. આ સ્‍ટુડિયો સરકારી છે. તે મને સ્‍ટુડિયોમાં લઇ જતો હતો અને સેક્‍સ કરતો હતો. તેલુગૂ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં રાજ કરતાં મોટા નિર્માતાનો તે પુત્ર છે. એ મને સ્‍ટુડિયોમાં આવવા કહેતો હતો ત્‍યારે હું તેને એમ કહેતી કે માત્ર વાત કરવા આવીશ. પણ હું ત્‍યાં પહોંચુ પછી તે બળજબરી કરતો હતો. શ્રીએ એવુ પણ કહ્યું હતું કે સ્‍ટુડિયોનો ઉપયોગ મોટે ભાગે આવા કામ માટે જ થતો હોય છે. સરકાર શા માટે સ્‍ટુડિયો આપે છે? ગયા શનિવારે  શ્રી રેડ્ડીએ કાસ્‍ટીંગ કાઉચ મામલે મિડીયાની હાજરીમાં તેલુગૂ ફિલ્‍મ ચેમ્‍બર ઓફ કોમર્સ બહાર કપડા ઉતારી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

પોલીસે શ્રી સામે આ રીતે કપડા ઉતારવા બદલ આઇપીસી ૨૯૪ હેઠળ ગુનો નોંધ્‍યો હતો. શ્રીએ કાસ્‍ટીંગ કાઉચનો વિરોધ કરતાં તેની મૂવી આર્ટિસ્‍ટ એસોસિએશન (એમએએ)ની સદસ્‍યતા પણ રદ્‌ થઇ ગઇ છે.

(11:59 am IST)