Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

મલ્લિકા શેરાવતને ઘર ખાલી કરવાનો કોર્ટે કર્યો આદેશ

સમયસર ઘરનું ભાડું નહી આપવાના કારણે

મુંબઇ તા. ૧૦ : બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતને પેરિસમાં આવેલ ઘર ખાલી કરવાની નોટિસ મળી છે. ફ્રેન્ચ કોર્ટે સમયસર ઘરનું ભાડુ નહી આપવાના કારણે અભિનેત્રી મલ્લિકા શેરાવત વિરુધ્ધ કાર્યવાહી કરી છે. અભિનેત્રી પોતાના બોયફ્રેન્ડ સાથે પેરિસમાં ૧૬ એરાંડિર્સ્મેટ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેના પર ૭૮,૭૮૭ યૂરો એટલે કે ૬૪ લાખનું ભાડુ નહી આપવાનો આરોપ લગાવામાં આવ્યો છે. મલ્લિકા તેના બોયફ્રેન્ડ સાથે ગત જાન્યુઆરીથી અહી રહે છે. ફલેટનું ભાડુ પ્રતિમાસ ૬,૦૫૪ યૂરો છે.

ફલેટના માલિકે કોર્ટમાં જણાવ્યું છે કે મલ્લિકા શેરાવતે કયારેય સારી રીતે ભાડાની ચૂકવણી કરી નથી. માત્ર ૨,૭૧૫ યૂરોનું એક જ ભાડૂ ચૂકવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૪ ડિસેમ્બરમાં કોર્ટે નોટિસ પાઠવી હતી. મલ્લિકા અને સાઇરિલને ભાડુ ચુકવવા નોટીસ મોકલી હતી. છતાં મલ્લિકા અને તેના બોયફ્રેન્ડે કોઇ જવાબ આપ્યો નહી અને અંતે કોર્ટે બંનેને મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ૧૪ નવેમ્બરે પેરિસની કોર્ટમાં સુનાવણી દરમિયાન મલ્લિકાના વકીલે આર્થિક તંગીના કારણે ભાડુ નહી ચુકવ્યું તેમ જણાવ્યું હતું. અને હાલમાં પણ પરિસ્થિતિ ભાડૂ ચુકવી શકાય તેવી નથી તેમ પણ કહ્યું હતુ. જેનું કારણ તેણે અભિનેત્રી પાસે હાલ કોઇ કામ નહી હોવાનું કોર્ટને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મલ્લિકા શેરાવતને પેરિસનું ઘર છોડવાના સમાચાર પ્રસિધ્ધ થયા હતા. જો કે ત્યારે અભિનેત્રીએ આ સમાચારને વખોડી નાંખ્યા હતા. જો કે ત્યારે મલ્લિકાએ જણાવ્યું હતું કે મીડિયાને લાગે છે કે પેરિસમાં મારે એક એપાર્ટમેન્ટ છે જે એક ખોટા સમાચાર છે.

(4:27 pm IST)